સુરત જિલ્લામાં બે વર્ષ બાદ શાળા પ્રવેશ ઉત્સવ ધારાસભ્યોએ અને મંત્રી તેમજ સાંસદ સભ્યોની અધ્યક્ષતામાં યોજાવા જઇ રહ્યો હતો. જોકે અચાનક ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવતા ધો. 1 ના બાળકોને શાળા પ્રવેશ કરાવવાનું ટાળી ધારાસભ્યોએ તેમજ સાંસદ સભ્યો પક્ષના કામે ગાંધીનગર પહોંચતા શાળા સંચાલકો કોની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવ યોજાવો તે બાબતે મૂંઝવણમાં મુકાયા હતા.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી જાહેર પરિપત્ર મુજબ જિલ્લાની મોટે ભાગની શાળાઓમાં સ્થાનિક ધારાસભ્યો હાજર રહી ધો. 1 માં પ્રવેશ મેળવતા બાળકોને વાજતે ગાજતે શાળા પ્રવેશ કરાવી બાળકોને પ્રોત્સાહિત કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
જોકે પ્રવેશ ઉત્સવ આગાઉ જ પ્રદેશ ભાજપે આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂટણી બાબતનું માર્ગદર્શન માટે ધારાસભ્યોને ગાંધીનગર હાજર થવાનું ફરમાન કરતાં શાળા પ્રવેશ ઉત્સવ બાજુએ મૂકી ધારાસભ્યોએ ગાંધીનગર પહોંચ્યા અને શાળામાં પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ સ્થાન હતું એવા ધારાસભ્યોના સ્થાને કોના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ યોજાવો એવી મૂંઝવણમાં શાળા સંચાલકો મુકાયા હતા. જોકે સ્થાનિક પદાધિકારીઓની સરપંચ, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત સભ્યોની હાજરીમાં શાળા પ્રવેશ ઉત્સવ પૂર્ણ કર્યો હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.