દીપડાનો આંતક:માંડવીના કાલીબેલ પાસે અચાનક ખેતરમાંથી નીકળી દીપડાએ આધેડ પર હુમલો કરી દીધો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીપડાએ હુમલો કરી આધેડના શરિરની બંને તરફ પહોંચાડેલી ઇજા. - Divya Bhaskar
દીપડાએ હુમલો કરી આધેડના શરિરની બંને તરફ પહોંચાડેલી ઇજા.
  • લોકો દોડી આવતા દીપડો હુમલો કરી ભાગ્યો

માંડવી તાલુકાના કાલીબેલ ગામ નજીક એક શેરડી ના ખેતરમાં સંતાયેલા દીપડા એ એક શખ્સ પર અચાનક હુમલા કરતા તેને શરીરે ગંભીર ઇજા થઇ હતી. દીપડાના હુમલાનો ભોગ બનેલા શખ્સ ને સારવાર માટે સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.

દીપડાના અચાનક હુમલાથી ઉમેદભાઈ ઈજા થઈ
માંડવી તાલુકાના કાલીબેલ ગામે રહેતાં ઉમેદ ભાઈ ભીમાસીયા ચૌધરી (50) ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ શનિવારે કોઈ કામ અર્થે બાઈક લઈ માંડવી ખાતે ગયા હતાં અને કામ પૂર્ણ કરી પરત કાલીબેલ ગામે આવવા નીકળ્યા હતા. તેઓ માંડવી કાલીબેલ રોડ પર થઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં લઘુશંકા માટે બાઈક સાઈડ પર મૂકી ઉભા રહ્યાં હતાં. તેઓ લઘુશંકા કરી પરત ફરી રહ્યા હતાં ત્યારે રોડ નજીક આવેલા શેરડીના ખેતરમાંથી એક કદાવર દીપડો અચાનક નીકળ્યો હતો અને ઉમેદભાઈ પર હુમલો કરી દીધો હતો.

ગંભીર ઈજાના કારણે સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા
​​​​​​​
દીપડાએ પોતાના પગના પંજા વડે ઉમેદભાઈના શરીરે આડેધડ હુમલો કરી દીધો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી દીપડો ફરી શેરડીના ખેતર તરફ નાસી ગયો હતો. આ બનાવમાં શરીરે ઇજા પામેલા ઉમેદભાઈને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત ઉમેદભાઈને ખબર અંતર પૂછવા માટે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા શંકરભાઇ ચૌધરી સહિતના આગેવાનો દોડી ગયા હતા.

માંડવીમાં શેરડીના ખેતરો દીપડાના આશ્રયસ્થાન
ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકામાં આવેલા શેરડીના ખેતરો દીપડાના માટે આશ્રય સ્થાન બની રહ્યાં છે. જેથી દીપડાના હુમલાના બનાવો અવારનવાર નોંધાતા હોય છે. ખાસ કરીને જ્યારે શેરડીની કાપણી પૂર્ણ થઈ ગયા બાદ દીપડાના હુમલાના બનાવો વધી જતાં હોય છે.

અગાઉ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે
માંડવી તાલુકામાં ગત વર્ષોમાં નોંધાયેલા દીપડાના હુમલાના બનાવમાં કેટલાક વ્યક્તિઓ એ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. માંડવી વન વિભાગ આ બાબતે સતર્કતા દાખવી દીપડા માટે યોગ્ય ખોરાક અને પાણી ની વ્યવસ્થા જંગલ વિસ્તારમાં કરે એ પણ હાલ ના તબક્કે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...