તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને માત:‘પપ્પા, ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે મક્કમતાથી લડીને બતાવો કે તમે સ્ટ્રોંગ છો

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેફસામાં 60 ટકા ઈન્ફેકશન સાથે 30 દિવસ વેન્ટિલેટર પર રહ્યા

બારડોલી તાલુકાના ઉવા ગામના 40 વર્ષીય અમૃતભાઈ ચૌધરીએ કોરોના સામે 47 દિવસની લાંબી અને સંઘર્ષમય લડત બાદ જીત હાંસલ કરી છે. ફેફસામાં 60 ટકા ઈન્ફેકશન સાથે 30 દિવસ વેન્ટીલેટર પર હતાં. દીકરીના હકારાત્મક શબ્દોએ મનોબળ વધારતા કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.

સુરતની એસ.ડી. જૈન સ્કૂલમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અમૃતભાઈ ઉવા ગામે માતા-પિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. અમૃતભાઈ જણાવે છે કે, ‘તા.17 એપ્રિલે શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણ જણાતા સારવાર દરમિયાન બ્લડ રિપોર્ટ કરાવતાં 17 ટકા ટાઈફોઈડ હોવાનું જણાયું હતુ. બે દિવસ સારવાર લેવા છતાં તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવાથી 19મી એપ્રિલના રોજ પરિવાર દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં કોરોના રિપોર્ટ કરવામાં આવતો પોઝિટિવ આવ્યો હતો. એ સમયે ઓક્સિજન લેવલ પણ 60 થયુુ હતુ તેમજ ફેફસામાં 60 ટકા કોરોનાનું સંક્રમણ હતું. પરંતુ મક્કમ મનથી કોરોના સામે લડવાનું નક્કી કર્યું હતું અને તબીબોના સાથ સહકારથી 47 દિવસની સંઘર્ષમય લડત બાદ આખરે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છું.’ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ પરિવારની જેમ મારી કાળજી રાખી સારવાર કરતાં સાજો થયો હોવાનું જણાવે છે.

દીકરીના હકારાત્મક શબ્દોથી મને પ્રેરણા મળી
મારી 20 વર્ષની દીકરી ખુશ્બુએ કોરોના સામે લડવામાં ખૂબ જ હિંમત આપી હતી. એક સમયે મેં કોરોના સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. મને બચવાની કોઈ ઉમ્મીદ ન હતી. દીકરી મારૂ મનોબળ મજબૂત કરતા કહેતી: ‘પપ્પા, તમે હાર ન માનતા. ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે. મક્કમતાથી લડીને બતાવો કે તમે કેટલા સ્ટ્રોંગ છો.’ મારી દીકરીના આવા હકારાત્મક શબ્દોથી મને પ્રેરણા મળી અને આખરે હું કોરોનાને હરાવવામાં સફળ રહ્યો છું. > અમૃતભાઈ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...