બારડોલી તાલુકાના મોવાછી ગામની સીમમાં શેરડીના ટ્રેક્ટરને ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન સામેથી આવતી વેગનઆર કારમાં મોટરસાયકલ અથડાઈ હતી. જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સવાર મહિલાને ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બારડોલી તાલુકાના વરાડ ગામે વાણીયા ટેકરા ખાતે રહેતા મેહુલભાઈ ભૂપેન્દ્રભાઈ ટેલર દ્વારા રૂરલ પોલીસ મથકે જણાવાયેલી માહિતી મુજબ, આજરોજ તેઓ ડુંગર ( ચીખલી) મુકામેથી વરાડ તરફ પોતાની વેગનઆર કારમાં જઈ રહ્યા હતા. એવા સમયે બારડોલી વિહાણ રોડ ઉપર આવેલ મોવાછી ગામની સીમમાં આવેલા ખરવાસા ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપ વચ્ચેના માર્ગ ઉપર સામેથી આવતી એક મોટરસાયકલના ચાલક અલ્તાફ શબ્બીર ખટીક દ્વારા પોતાના માર્ગમાં ચાલતાટ્રેક્ટરને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી.
જે દરમિયાન પોતાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા વેગનઆર કારમાં ભટકાયો હતો. બાઈક ચાલકને માથાના અને કપાળના ભાગમાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સાથે બેઠેલી તેની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. બારડોલીથી પોતાની મોટરસાયકલ ઉપર અંકલેશ્વર જવા નીકળેલા દંપતિને અકસ્માત નડતાં બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.