વિશ્વ પત્રલેખન દિવસ:વિદ્યાર્થીઓની દાદા-દાદીને પત્ર લખી સર્જનાત્મક ઉજવણી

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવની વસિષ્ઠ વિદ્યાલયમાં વિશ્વ પત્રલેખન દિવસની ઉજવણી કરાઈ

કામરેજના વાવ ગામે વસિષ્ઠ વિદ્યાલયના 650 વિદ્યાર્થીઓએ વિશ્વ પત્રલેખન દિવસ તરીકેની અનોખી ઉજવણી કરી હતી. દાદા અને દાદીને લાગણીસભર પત્ર લખીને આપ્યો હતો. 1 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ પત્રલેખન દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વભરના લોકોને પેન ઉપાડવા, કાગળનો ટુકડો પકડવા અને પત્ર લખવા માટે પ્રોત્સાહિત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત પત્ર લખવાની કળા વિશે જાણવાનો આ ખાસ દિવસ છે. ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબપ્રથાને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે.

ઘણા પરિવારોમાં દાદા- દાદી, માતા-પિતા,કાકા-કાકી અને બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. દાદા-દાદી પરનો નિર્વ્યાજ પ્રેમ હોય છે. તેમની લાગણીઓ સતત વહેતી હોય છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ વિશ્વ પત્ર લેખનના દિવસે દાદા-દાદીને સંબોધી પત્ર લખે અને લખેલ પત્રનું તેમની સામે વાંચન કરીને દાદા - દાદીને પત્ર અર્પણ કરીને કૃતજ્ઞતા પ્રગટ કરે તેવા હેતુથી ઉજવણી કરવામાં આવી હતી. જે પરિવારમાં જે વિદ્યાર્થીના દાદા-દાદી બહાર ગામ રહેતા હોય કે અન્ય પરિવાર સાથે રહેતા હોય તે વિદ્યાર્થીઓએ દાદા - દાદીને લખેલ પત્ર ફોન પર વાંચી સંભળાવ્યો હતો અથવા એ પત્રને પોસ્ટ દ્વારા દાદા દાદીને મોકલી આપવાનો કે અનુકૂળતા હોય તો રૂબરૂ આપવાનો પ્રેરણાદાયી ઉપક્રમ રચાયો હતો. જેમાં ધોરણ 6 થી 9 નાં 650 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

શાળાનું કાર્ય બાળકોને સારાં નાગરિક બનાવવાનું પણ છે. જેથી આપણી સંસ્કૃતિ, સંસ્કારોનું જતન થઇ શકે તેમજ એક ઉમદા સમાજનું નિર્માણ થાય. વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં ગુજરાતી માધ્યમ દ્વારા થયેલી આ પ્રવૃત્તિ ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરીયા તથા રવિભાઈ ડાવરીયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડૉ. પરેશભાઈ સવાણી, શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરીયા, પ્રાથમિક વિભાગના આચાર્ય અશ્વિનભાઈ કરકરે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ બાળકોના માર્ગદર્શકને શુભેચ્છાઓ પાઠવી આભાર પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...