કૌભાંડ ?:બારડોલી પાલિકામાં દવા ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે : આરોગ્ય ચેરમેન, ઈ-ટેન્ડરિંગ વગર 20 લાખની દવાની ખરીદાયાનો આક્ષેપ

બારડોલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદીમાં આરોગ્ય ચેરમેનના અભિપ્રાય પણ ન લેવાયો

બારડોલી નગરપાલિકાના શાસક સભ્યોમાં જ અંદરો અંદરનો વિખવાદનો અંત આવતો નથી. હંમેશા ચર્ચામાં રહે છે. બુધવારે પાલિકાના આરોગ્ય ચેરમેને દવાની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ સાથે, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીઓને લખિતમાં રજૂઆત કરતાં ફરી વિવાદનો મધપુડો છંછેડાયો છે. બીજી તરફ પાલિકાનું વહીવટીતંત્ર દવા ખરીદીમાં બધાની સંમતી બાદ જ ખરીદી કરી હોવાનું જણાવે છે. ત્યારે આ મુદ્દો ફરી ચર્ચાસ્પદ નગરજનો માટે સાબિત થશે. બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતીના ચેરમેન ભૂપતસિંહ ચાવડાએ પાલિકામાં જંતુનાશક દવાની ખરીદી કરવામાં ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરને આ બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યા મુજબ પાલિકાએ કોઈ પણ પ્રકારની ઈ-ટેન્ડરિંગ પદ્ધતિ કર્યા વગર અંદાજિત 20 લાખ રૂપિયાથી વધુની દવા ખરીદી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 20 લાખની રકમની દવા ખરીદી કરવા માટે ઈટેન્ડરિંગ પદ્ધતિથી ભાવો મંગાવીને કામગીરી કરવામાં આવે છે.

પરંતુ આટલો મોટો જથ્થોમાં દવાખરીદી કરવા પહેલા આરોગ્ય સમિતીના ચેરમેન તરીકે કોઈપણ પ્રકારનો અભિપ્રાય કે સહી લેવામાં આવી નથી. ફક્ત પરુચરણ ખરીદી માટે વાર્ષિક ટેન્ડર પર સહી કરેલ છે. જો 20 લાખથી વધુની ખરીદી કરવાાં આવેલ હોય તો આ અંગેની જવાબદારી કોની? દવાની ખરીદી કયા ધોરણ મુજબ કરવામાં આવી હોવાનો સવાલ કર્યો છે. દવા ખરીદવામાં ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોય, જેમાં સામેલ પદાધિકારીઓ, અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરના પગલાં લઈ તેમજ તેમની સામે ખાતાકીય તપાસ કરી દોષિતોની સામે ગુનો દાખલ કરવા જણાવેલ છે. રજૂઆતને ધ્યાનમાં રાખી 7 દિવસમાં દોષિતો સામે પગલાં ભરવાની માંગણી કરી છે. ભાજપના જ સભ્યોમાં એક રાગિતાના અભાવે વિખવાદ બંધ થવાનું નામ લેતો નથી.

અન્ય સમાચારો પણ છે...