બારડોલીમાં કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ:મિનારા મસ્જિદનાં દરવાજા પર દીવા કરી ગુલાલ નાખી જતા વિવાદ, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

બારડોલી2 મહિનો પહેલા
  • દશામાંની વિસર્જન યાત્રા દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું કૃત્ય

બારડોલીના મુખ્યમાર્ગ પર આવેલ મિનારા મસ્જિદની બહાર દરવાજા પર દિવા કરી ગુલાલ છાટી જતા વિવાદ સર્જાયો હતો. ગતરોજ મોડી રાત્રે બારડોલી નગરમાં ધામધૂમથી દશામાંની વિસર્જન યાત્રા નીકળી હતી. દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા મિનારા મસ્જિદનાં ગેટ પર ગુલાલ નાંખવામાં આવ્યો હતો. સાથે જ મહિલાઓ દ્વારા મસ્જિદના ગેટ પર દીવાઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વહેલી સવારે નમાઝ કરવા પહોચેલા મુસ્લિમ બિરાદરોએ મસ્જિદની બહાર ગુલાલ તેમજ દિવાઓ જોતા બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. બારડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને નગરનું વાતાવરણ ન ડહોળાઇ તે માટે ફાયરનો વોટર બ્રાઉઝર ( લાય બમ્બો ) બોલાવી મસ્જિદની બહાર નાખવામાં આવેલ ગુલાલને પાણીનો છંટકાવ કરી સાફ સફાઈ કરવામાં આવી હતી.

બારડોલી પોલીસે CCTV ફૂટેજ લઈ તપાસ શરૂ કરી.

બારડોલીના મિનારા મસ્જિદનાં દરવાજા ખાતે ગુલાલ નાખી દીવાઓ કરી જવાની ઘટનાનાં પગલે મુસ્લિમ બિરાદરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા અને લોકોનો રોષ પારખી બારડોલી પોલીસે મિનારા મસ્જિદની સામે આવેલ દુકાનમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજ મેળવ્યા હતા. CCTV કેમેરામાં એક ઇસમ ગુલાલ છાટતો નજરે પડ્યો હતો. જ્યારે 3 યુવતીઓ મસ્જિદના ગેટ પર દીવા કરતી કેમેરામાં કેદ થઈ હતી. હાલ પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે..

મુસ્લિમ બિરાદરો આવેદન આપ્યું.

મિનારા મસ્જિદ ખાતે બનેલી ઘટનાનાં પગલે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં મસ્જિદ ખાતે એકત્ર થઈ ગયા હતા. અને હાજર પી.આઈ તેમજ પી.એસ.આઈ સહીત પોલીસ કર્મીઓને ઘટનાને વખોડતા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે જ આગેવાનો દ્વારા પોલીસ તંત્રને લેખિતમાં આવેદન આપી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગે કરવામાં આવી હતી.

શાંતિ સમિતિની મિટિંગના બીજા જ દિવસે અશાંતિ.

બારડોલી પોલીસ તંત્ર દ્વારા શનિવારના પોલીસ મથક ખાતે આવનાર તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે તમામ સમાજનાં લોકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. DYSP ભાર્ગવ પંડ્યાની આગેવાનીમાં યોજાયેલ મિટિંગમાં શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારો ઉજવવામાં આવે તેવા સૂચનો કરાયા હતા. જોકે શાંતિ સમિતિની મિટિંગનાં રાત્રે જ અમુક અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાનો બાલીસ પ્રયાસ કરવામાં આવ્યો હતો...

અન્ય સમાચારો પણ છે...