ખાતાકીય તપાસ:મહિલા પોલીસકર્મીને આપત્તિજનક મેસેજનો વિવાદ વકરતા PSI મોરી ‘બીમાર પડી ગયા’

પલસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તપાસનો રેલો પગ તળે પહોંચતાની સાથે જ માંદગીનો રિપોર્ટ આપી છુમંતર

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ મહિલા સહકર્મીને કથિત મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હોવાનો વિવાદ વકરતા જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે નિવેદન નોંધાવા માટે કડોદરા પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલતાની સાથે જ પી.એસ.આઈ માંદગીનું બહાનું કાઢી ગેરહાજર થતાં સમગ્ર પ્રકરણ ભારે ચર્ચા સ્પદ બન્યું છે. બીજી તરફ આ પ્રકરણની તપાસ બારડોલી ડિવિઝનના ડીવાયએસપીને સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ સાથે કામ કરતી મહિલા એલ.આર તેમજ એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને સોશ્યલ મીડિયાના માધ્યમથી આપત્તિ જનક મેસેજ મોકલવાને લઈ ભારે હોબાળો મચી ગયો હતો.

વિવાદ વકરતા જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસકર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ બે પાનાંનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને મોકલી આપ્યો હતો. આ ગુપ્ત રિપોર્ટને આધારે જિલ્લા પોલીસ વડાએ સમગ્ર પ્રકરણની તપાસ બારડોલી ડિવિઝનના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યાને સુપ્રત કરી હતી.

બીજી તરફ આ પ્રકરણમાં નિવેદન નોંધાવવા માટે જિલ્લા પોલીસવડાએ કંટ્રોલરૂમના માધ્યમથી પી.એસ.આઈ અશોક મોરીને નિવેદન નોંધાવવા માટે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનને મેસેજ મોકલતાની સાથે જ સવાયા પી.એસ.આઈ બનીને ફરતા અશોક મોરીના પગ તળે રેલો પહોંચતા જ તે માંદગીનો રિપોર્ટ આપીને છૂમંતર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મહિલા પોલીસ કર્મચારીની સતામણી બાબતે આવનારા દિવસોમાં જિલ્લા પોલીસવડા કેવું વલણ અપનાવે તે જોવું રહ્યું.

પી.એસ.આઈ અશોક મોરીએ માત્ર કડોદરા પોલીસ સ્ટેશનમાં નહીં પરંતુ અગાઉ સુરત જિલ્લાના કડોદરા, માંગરોળ અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમ્યાન આજ પ્રકારના કારનામાં કર્યા હોવાની ચર્ચા છે. જોકે અગાઉના કેટલાક અધિકારીઓના આશિર્વાદને લઈ અશોક મોરી બચતા રહ્યા હતા. હવે જે પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી ચાર્જમાં છે અને ત્યાંજ આ પ્રકારના પરાક્રમો ચાલુ રાખતા બાજી ઊંધી પડી હોવાની પરિસ્થિતી ઊભી થઈ છે.

કેસની તપાસ ડીવાઇએસપીને સોંપવામાં આવી
કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અશોક મોરીના વિવાદ અંગે બારડોલી ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યાને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે ખાતાકીય તપાસ મને સોંપવામાં આવી છે. અને આ અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...