ત્રિદિવસીય યાત્રા:આજે 130 કરોડના 2606 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં 3 વિકાસ રથ પરિભ્રમણ કરી યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાનમાં ગ્રામવિકાસ વિભાગ દ્વારા આગામી તા.18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ રથ’ ફેરવવાનું આયોજન કરાયું છે. ત્રણ દિવસ માટે ફરનારો આ રથના માધ્યમથી લોકોને વિવિધ યોજના અંગે જાગૃત કરાશે. સુરત જિલ્લામાં રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સવારે 9:00 વાગ્યે મહુવા તાલુકાના ગુણસવેલ ગામના કણબીવાડ ફળીયાથી શુભારંભ કરાવશે.

મળતી વિગતો મુજબ સુરત જિલ્લામાં ફાળવાયેલા ૩ આત્મનિર્ભર ગ્રામ રથો સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક વિસ્તાર હેઠળના સમાવિષ્ટ ગામોમાં સવારે 8:00 થી 12:00 અને સાંજે 4:00 થી રાત્રિના 8:00 વાગ્યા દરમિયાન પરિભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે. સમગ્ર રાજ્યની કુલ 1090 જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં 100 જેટલા રથ પરિભમ્રણ કરશે. તા.18 મીએ સુરત જિલ્લા પંચાયતના માંગરોળ તાલુકાના પીપોદરા, કોસંબા, માંગરોળ, નાની નરોલી સીટોના પીપોદરા, કોસંબા, સીમોદરા, વાંકલ ગામોમાં રથ ફરશે.

મહુવા તાલુકામાં અનાવલ, વલવાડા, કરચેલીયા અને મહુવા સીટો હેઠળના ઉમરા, ગુણસવેલ, કરચેલીયા અને મહુવા ખાતે તેમજ કામરેજ તાલુકાના ઉંભેળ, નવાગામ, કામરેજ અને ચલથાણ સીટોના વિહાણ, ટીંબા, શામપુરા અને નવી પારડી ગામો માં રથ પરિભ્રમણ કરશે. આ દિવસે સવારે 8:00 વાગ્યાથી ગ્રામીણ કક્ષાએ શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા, સખીમંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ તથા પાણી સમિતિ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાશે.

ત્યારબાદ શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી કેન્દ્ર, પોસ્ટઓફિસ, બેન્ક, દૂધ મંડળી, પશુ દવાખાના, આરોગ્ય કેન્દ્રો વિગેરેની સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત, સફાઈ કર્મીઓ, કોરોના વોરિયર્સ, ગૃહ ઉદ્યોગ કરી સ્વનિર્ભર બનેલી બહેનો અને સ્વસહાય જૂથો તેમજ સ્વાતંત્ર્યસેનાનીઓનું સન્માન કરાશે. તા. 20મી નવે.ના રોજ તાલુકા કક્ષાએ કાર્યક્રમનું સમાપન કરાશે.

ત્રણ દિવસના અભિયાન અંતર્ગત યોજાનારા કામો
સુરત જિલ્લામાં વિવિધ વિભાગોના 89.45 કરોડના 2606 વિકાસકામોના ખાતમુહૂર્ત અને 41 કરોડના 1561 વિકાસકામોનું લોકાર્પણ મળી કુલ 130 કરોડના 4167 વિકાસકામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ કરવામાં આવશે. વ્યક્તિગત સહાયના 8193 લાભાર્થીઓને 5.66 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ પણ કરાશે. રથ દ્વારા ગ્રામવિકાસ વિભાગ અને અન્ય 9 વિભાગ સંલગ્ન વિવિધ યોજનાકીય વિગતોથી ગ્રામજનોને માહિતગાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...