કંપારી છોડાવી દેનારો અકસ્માત, VIDEO:કામરેજના વાવ જોખા રોડ પર બાઇક અથડાતાં કાર સળગી ઊઠી; આગની લપેટમાં યુવક ભડથું

બારડોલી3 મહિનો પહેલા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં ગુરૂવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સીએનજી કારમાં રોંગ સાઈડથી આવતી મોટર સાઇકલ ધડાકાભેર અથડાઈ હતી. જે અકસ્માતમાં કાર ભડકે બળી હતી. બાઈકચાલક યુવાન પણ આગની ચપેટમાં આવ્યો હતો અને આગમાં બળીને ભડથું થયો હતો. આ કમકમાટી ભર્યા અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.

રોંગ સાઈડથી આવે રહેલી બાઈક કાર સાથે ધડાકાભેર અથડાઈ
ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા શૈલેષ દિપકભાઈ મિસ્ત્રી કે જેઓની માતાને બારડોલીની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. માતાનું હોસ્પિટલમાં બિલ ભરવાનું હોવાથી શૈલેષ પોતાની સી.એન.જી અલ્ટો કાર નંબર GJ-05-RB-6167 લઈ બારડોલી જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન વાવથી જોખા રોડ પર આવેલા ચાર રસ્તા નજીક તેઓની કાર સાથે અચાનક રોંગ સાઈડથી આવે રહેલી એક મોટર સાયકલ ધડાકાભેર અથડાઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરના બે યુવાન મોટર સાયકલ નંબર GJ-05-ME-0105 પર સવાર થઈ આવી રહ્યાં હતા. સુરતના રમેશ ગુલાબભાઈ મિસ્ત્રી અને વિષ્ણુ શેટ્ટી બન્ને યુવાનો મોટરસાયકલ લઈ કાર સાથે અથડાયા હતા. અકસ્માતમાં રમેશ મિસ્ત્રી કારના આગળના ભાગે પડી ગયો હતો અને સાગર વિષ્ણુ શેટ્ટી રોડની સાઈડ પર ફંગોળાયો હતો. અકસ્માતમાં અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગની જપેટમાં કારની આગળના ભાગે પડેલો યુવાન બળીને ભડથું થઈ ગયો હતો. તો અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...