ભાજપના ઉમેદવારો જાહેર કરાયા:સુરતમાં 4 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા, જ્યારે અન્ય બે બેઠક પરથી ફરી વખત જુના ચહેરાની પસંદગી

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાની 6 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. બારડોલી, મહુવા, માંગરોલ તેમજ ઓલપાડ બેઠક પરથી ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કામરેજ અને માંડવી બેઠક પરથી ફરી વખત ભાજપે જુના ચહેરાને મેદાને ઉતાર્યા છે.

મહુવા બેઠક પર સતત 5મી વખત મોહન ઢોડીયાની પસંદગી
મહુવા મત વિસ્તારમાંથી 2002થી સતત 5મી વખત મોહન ઢોડીયાની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે. 2002માં મોહન ઢોડીયા વિજય થયા હતા. બાદમાં 2007માં તેઓની હાર થઈ હતી. બાદમાં 2012 અને 2017માં વિજય થયેલા મોહન ઢોડીયા પર ભાજપ દ્વારા ફરી વખત પસંદગી ઉતારવામાં આવી છે.

બારડોલી બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર ત્રીજી વખત રિપીટ
બારડોલી વિધાનસભા બેઠક પરથી 2012 અને 2017માં ઈશ્વર પરમારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જંગી બહુમતીથી વિજય થયા હતા. 2017માં રૂપાણી સરકારમાં તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓની સ્વચ્છ પ્રતિભા અને મતદારો સાથેના સતત સંપર્કને લઈ પક્ષ દ્વારા ફરી ત્રીજી વખત તેઓ પર વિશ્વાસ કરી ઉમેદવારી કરવાની તક આપી છે.

માંગરોલ બેઠક પર ગણપતસિંહ વસાવા 5મી વખત રિપીટ કરાયા
સુરત જિલ્લાના પીઢ ગણાતા એવા ગણપતસિંહ વસાવા કે જેઓ વિધાનસભાના સ્પીકર અને સતત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. જેઓએ માંગરોલ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી કરી છે. તેઓની સામે એકેય વ્યક્તિએ દાવેદારી કરી ન હતી. ત્યારે ફરી એક વખત ભાજપે ગણપતસિંહ વસાવા પર જ પસંદગી ઉતારી છે.

ઓલપાડ બેઠક પર રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ત્રીજી વખત પસંદગી
સુરત શહેરની નજીક આવેલા ઓલપાડ વિધાનસભા વિસ્તારમાંથી મુકેશ પટેલને 2012માં ઉમેદવાર તરીકે જાહેર કરતા તેઓ વિજય થયા હતા. બાદમાં 2017માં ફરી વખત વિજય થયા હતા અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રીની જવાબદારી શોપવામાં આવી હતી. ફરી એક વખત ભાજપ દ્વારા મુકેશ પટેલના નામની જ જાહેરાત કરવામાં આવી છે.

પ્રફુલ પાનસૂરિયાની 2017માં ટીકીટ કપાઈ હતી આ વખતે ફરી પસંદગી
2012માં કામરેજ વિધાનસભા બેઠક પરથી પ્રફુલ પાનસૂરિયા જંગી બહુમતીથી વિજય થયા હતા. બાદમાં પાટીદાર અનામત આંદોલનને કામરેજ વિસ્તારમાં દામવામાં નિષ્ફળ નિવડેલા પ્રફુલ પાનસૂરિયાની 2017માં ભાજપે ટીકીટ કાપી. વી.ડી.ઝાલાવાડિયાને દાવેદારી કરાવી હતી. કામરેજ વિસ્તારમાં ફરી એક વખત ભાજપે પ્રફુલ પાનસૂરિયા પર પસંદગી ઉતારી દાવેદારી કરાવી છે.

માંડવી બેઠક પર હળપતિ સમાજના આગેવાન કુંવરજી હળપતિને ટિકિટ આપી
​​​​​​​છેલ્લા 5 ટર્મથી માંડવી બેઠક પરથી કોંગ્રેસ બાજી મારતું આવ્યું છે. જિલ્લાની તમામ બેઠકો પૈકી માંડવી વિધાનસભા બેઠક પર સૌની નજર હોય છે. 2017માં કુંવરજી હળપતિની ભાજપે અંતિમ સમયે ટિકિટ કાપી હતી. ત્યારે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી કરી અને 30 હજારથી વધુ મતો મેળવી ભાજપનો ખેલ બગાડ્યો હતો. પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન કુંવરજી હળપતિને ભાજપમાંથી ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...