સુરત જિલ્લા વહીવટીતંત્રએ 15મી મે સુધીમાં ગંગાસ્વરૂપા સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓને લાભ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની આ બન્ને યોજનાઓના લાભ આપવા તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ગંગાસ્વરૂપા મહિલાઓને સન્માનજનક જીવન અને આર્થિક આધાર આપવા માટે મહિને 1250ની સહાય તેમજ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં 60 વર્ષથી વધુના વયના વૃદ્ધ વ્યકિતને અનુક્રમે 1000 થી લઈને 1250ની સહાય આપવામાં આવે છે.
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાને વધુ વેગવતી બનાવીને કોઈ પણ લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોને આસપાસમાં રહેતા ગંગાસ્વરૂપ મહિલાઓ, નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય મળી રહે તે માટે તંત્રની ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.
ગંગાસ્વરૂપા યોજનાનો લાભ 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓને મળી શકે છે, જ્યારે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓને મળે છે. વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને તા.01/04/2022ની અસરથી 60 થી 79 વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000 તથા 80 કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1250 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ બંન્ને યોજનાનો લાભ માટે સ્થાનિક મામલતદાર કચેરી તથા તલાટીકમ મંત્રીનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.