હિન્દુ ધર્મ વ્રત અને તહેવારોથી ભરપુર છે. ચોમાસુ આવતાં જ ભારતમાં વ્રત અને તહેવારો શરૂ થઈ જાય છે. 11મી જૂનના રોજ જેઠ સુદ અગિયારસ એટલે કે નિર્જળા જે ભીમ અગિયારસ તરીકે પણ જાણીતી છે. આ એકાદશીની વિશેષતા એ છે કે, ફક્ત આ એકાદશી કરવાથી વર્ષ દરમિયાન તમામ એકાદશીનું ફળ મળે છે.
યજ્ઞાચાર્ય હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર 11મીના શનિવારે નિર્જળા એકાદશી છે. હિન્દુ શાસ્ત્રોમાં એક માસમાં બે અગિયારસ હોય છે. અને 12 માસમાં 24 અગિયારસ હોય. વળી અધિકમાસ હોય તો વધુ બે અગિયારસ હોય છે. મહાભારતકાળમાં વેદ વ્યાસે પાંડવ કુટુંબને અગિયારસ વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું.
વેદ વ્યાસે જણાવ્યું હતું કે એકાદશી કરવાથી મોક્ષ, સાધન- સંપત્તિ, વૈભવ, સંતાન ઐશ્વર્ય અને આરોગ્ય સુખ પ્રાપ્ત થાય છે. પોતાની શ્રદ્ધા અનુસાર ઈશ્વરની ભક્તિ કરવાથી તે મોક્ષ તરફ દોરી જાય છે. જોકે, એકાદશી કરવામાં ઉપવાસ અને ફળાહાર કરવાનું હોવાથી પાંડવોમાં ભીમ માટે એકાદશી વ્રત કરવું તે શક્ય હતું.
આથી વેદ વ્યાસે રસ્તો બનાવતાં ભીમસેનને કહ્યું કે વર્ષ દરમિયાનની તમામ એકાદશી ન થઈ શકે તો જેઠ સુદ અગિયારસે આવતી નિર્જળા એકાદશી કરવી. તે દરમિયાન પાણી પણ પીવુ નહીં. આ એકાદશી તમામ એકાદશીનું ફળ આપનારી છે. આથી ભીમ ખુશ થયા અને તેમને આ એકાદશી કરી હતી. જેથી તે ભીમ એકાદશી તરીકે પણ ઓળખાય છે. અગિયારસ નવા કાર્યોનો આરંભ માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હરિ કૃપા માટે પણ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પિતૃઓની શાંતિ માટે દાનત કરવામાં આવે છે
ભગવાન વિષ્ણુની પૂજા અને બારસ તિથિએ પૂજા-પાઠ પછી ભોજન ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે જળથી ભરેલાં માટલા ઉપર કેરી, ખાંડ, પંખો, ટુવાલ રાખીને દાન કરવામાં આવે છે. એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે. એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ એકાદશીએ પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી, ભોજન, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરવામાં આવે છે.
સામાન્ય વ્યક્તિએ નિર્જળા રહેવું તે શરીર માટે સારુ
વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે ચોમાસાની શરૂઆત થતાં જળાશયોમાં નવા નીર આવે છે. જે શરૂઆતમાં દૂષણ યુક્ત હોય છે. પાણીજન્ય રોગચાળો વધે છે. ભૂખ્યા રહેવાથી શરીરની અગ્નિ પ્રબળ બને છે. આથી સામાન્ય વ્યક્તિએ નિર્જળા રહેવું તે શરીર માટે સારુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.