બારડોલી એસટી ડેપોમાં હલ્લાબોલ:બુહારી રૂટની બસ વધુ એકવાર સમયસર ન આવતા અકળાયેલા 60થી વધુ મુસાફરોએ ચક્કાજામ કર્યો, 10 જેટલી બસ અટકાવી

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિયમિત બસ સેવાથી ત્રાસેલા મુસાફરોની ધીરજ ખુટી, ડેપોના ગેટ આગળ બેસી વિરોધ નોંધાવતા ટ્રાફિકજામ સર્જાયો

બારડોલી નગરના લિનીયર બસ સ્ટેન્ડ પર મોડી સાંજે બુહારી રૂટની બસ સમયસર નહિ આવતા, વાટ જોઈ થાકેલા 60 જેટલા મુસાફરોએ બસ સ્ટેન્ડમાં જ હલ્લાબોલ કરી હતી. ગેટ પર જ બેસી જઈ, આવતી જતી 10 જેટલી બસોને અટકાવી દેતા બસસ્ટેન્ડ બહાર ટ્રાફિક જામ થઈ ગયું હતું. આખર પોલીસમાં જાણ થતાં સ્થળ પર આવી મામલો થાળે પાડ્યો હતો.

બુહારી રૂટના મુસાફરો છેલ્લાં ઘણાં સમયથી હાલાકી ભોગવી રહ્યા છે, બસ સમયસર નહિ મુકતા, ઘરે પહોંચતા એક કલાક મોડું થઈ જતું હોય છે, અને બસસ્ટેન્ડમાં હાજર એ.ટી.એસ.પણ હંમેશા પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોવાથી મુસાફરો રોષે ભરાયા હતા.

તાપી જિલ્લામાંથી બારડોલી, કડોદરા અને પલસાણા તાલુકામાં રોજગારી માટે આવતાં નોકરીયાત વર્ગને અવર જ્વર માટે એસટી બસનો ઉપયોગ કરે છે. જેમાં વાલોડના બુહારી રૂટની એસટી બસમાં સવાર સાંજ ભીડ રહેતી હોય છે. સાંજના 7 વાગ્યાના સમયની એસટી બસમાં મોટા ભાગના નોકરીયાતવર્ગ પરત ઘરે ફરતા હોય છે. આ રૂટની એસટી બસ થોડા થોડા દિવસે સમયસર આવતી ન હોવાથી ઘરે પહોંચવામાં ઘણું મોડું થતું હોય છે. જે બાબતે અવાર નવાર રજુઆત કરવા છતાં એસટીના જવાબદાર અધિકારીઓ ગંભીરતા રાખી નથી. ઘણી વખત બસ 1 કલાક મોડી થતી હોય છે.

ખાસ કરીને આવા સંજોગમાં મહિલાઓને ઘણી તકલીફ થતી હોય છે. મંગળવારે મોડીસાંજે 60 થી વધું બુહારી રૂટ પર અવર જ્વર કરતા મુસાફરો બસની વાટ જોતા હતા, પરંતુ 7 વાગ્યે એસટી બસ આવી ન હતી, રાહ જોઇને થાકેલા મુસાફરોનો ગુસ્સો બહાર આવ્યો હતો, રોષે ભરાયેલ મુસાફરો લિનીયર બસ સ્ટેન્ડમાં જ હલ્લાબોલ કરી હતી, અને અંદર પ્રવેશે ગેટ પર જ મુસાફરો બેસી જઇ, આવતી જતી 10 જેટલી બસોને રોકી હતી.

લિનયર બસસ્ટેન્ડ તેમજ બસસ્ટેન્ડની બહાર મુખ્ય માર્ગ પર મુસાફરોએ બસો અટકાવી દેતા સુરતી જકાતનાકા પર ટ્રાફિક જામ થયુ હતુ, મુસાફરોની એક જ માંગણી ઉઠી હતી, બુહારી રૂટની બસને સમયસર ઉપાડવાની મંગણી હતી. વિસ મિનિટથી વધુ સમય થતા ટ્રાફિક જામની સ્થિતિ થઈ હતી. જેને લઇ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, અને મુસાફરોને સમજાવી મામલો થાળે પડ્યો હતો. પોલીસે અટકાવેલ તમામ બસોને રવાના કરી ટ્રાફિક દુર કરાયું હતું.

મુસાફરોને યોગ્ય જવાબ ન મળતાં હોવાની પણ રાવ
બારડોલી લિનીયર બસ સ્ટેન્ડનાં જ્યારે બસો મોડી પડે છે. ત્યારે મુસાફરો આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડન્ટ ઇબ્રાહિમભાઇને બસ ક્યારે આવશે, તેવું પૂછવા જતા યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાની પહેલાથી જ ફરિયાદ હતી. ત્યારે વધુ એક વખત બસ મોડી પડતા મુસાફરો વિર્ફયા હતા. લીનીયર બસસ્ટેન્ડમાં હલ્લાબોલ કર્યો હતો. ભવિષ્યમાં ફરી એસટી બસ સમયસર મુકવામાં નહિ આવે તો, ફરી હલ્લો કરવાની ચીમકી પણ આપી હતી.

બસ સમયે આવતી જ નથી, કલાક સુધી રાહ જોવી પડે છે
મારે સાંજની બુહારી રૂટની બસમાં ઘરે જવાનું થાય છે, 7 વાગ્યાની બસ સમયસર આવતી જ નથી કલાક સુધી ઘણી વખત વાટ જોવી પડતી હોય છે. ઘરે બાળકો પણ અમારી વાટ જોતા હોય છે. કલાક મોડું થાય તો, ઘરે જઈને રસોઈ ક્યારે બનાવીએ. બસ સમયસર મુકો એવી અમારી માંગણી છે, નહિ તો આવી સ્થિતિ રહેશે. > જાગૃતિ પ્રજાપતિ, મુસાફર

રજા હોય ત્યારે આગલા દિવસથી રૂટ બંધ કરી દેવાય છે
જાહેર રજા હોય, ત્યારે આગલા દિવસે જ બુહારી રૂટ બંધ કરી દે છે. 7 વાગ્યાની બસ સમયસર આવતી નથી. જેથી 8 વાગ્યે ભાગલપુર એક માત્ર બસ મળે છે. એક કલાક લેટ થતા 70થી વધુ મુસાફરો થઈ જતા બસમાં ખીચોખીચ ભરાઈ તકલીફ વેઠતા જવાનો વારો આવે છે.

બસ સમયસર નહિ મુકતા એટીએસને ફોન કરતા સંતોષકારક જવાબ નહિ મળે, ઘણી વખત ફોન રિસીવ કરે નહિ. મેનેજરને ફોન કરેતો ઇકબાલભાઈ બધું જોઈ, એવો જવાબ આપે છે.મુસાફરોને પરેશાન કરી નાખ્યા છે. રોષે ભરાઈ રજુઆત કરે તો, મહિનો, પંદર દિવસ સારી રીતે બસ આવે, ત્યારબાદ સ્થિતિ ફરી એવી જ નિર્માણ થાય છે. બુહારી રૂટનો યોગ્ય નિકાલ લાવવાની અમારી મંગણી છે. > સાગર ભંડારી, મુસાફર

બુહારી માટે વધુ 1 બસ ફાળવાશે, શનિ-રવિ પણ ચાલુ રહેશે
બુહારી રૂટની બસ માત્ર 15 મિનીટ જ લેટ પડી હતી, હાલ વેકેશન છે. ત્યારે દાહોદ, ગોધરા, અમદાવાદ તેમજ મોડાસા સહિતના જરૂરિયાતનાં રૂટ પર બસો ફાળવવામાં આવી છે. સાથે જ કરમસદ, શાહદા અને છોટાઉદયપુર માટેનાં પણ નવા 3 રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. બુહારી રૂટ માટે એક વધું બસ ફાળવવામાં આવશે, અને એ બસનું રૂટ શનિવાર અને રવિવાર પણ ચાલુ રાખવા સુચન આપવામાં આવી છે. > મિલિન વાઢેર, મેનેજર, એસડી ડેપો બારડોલી

અન્ય સમાચારો પણ છે...