તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ કરોડોનો, લાભ કોડીનો પણ નહીં:બારડોલીની તીસરી આંખ સમાન 180 CCTV કેમેરામાંથી 175ને બ્લેક ફંગસ

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના 52 પોઇન્ટ પર  1.20 કરોડના ખર્ચે ફિટકરાયેલા મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાને કારણે તેના ફૂટેજ પણ મળતા બંધ થઇ ગયા હોવાથી પોલીસના મોનિટરિંગ રૂમની મોટાભાગની સ્ક્રિન બ્લેન્ક દેખાઇ રહી છે. - Divya Bhaskar
બારડોલીના 52 પોઇન્ટ પર 1.20 કરોડના ખર્ચે ફિટકરાયેલા મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાને કારણે તેના ફૂટેજ પણ મળતા બંધ થઇ ગયા હોવાથી પોલીસના મોનિટરિંગ રૂમની મોટાભાગની સ્ક્રિન બ્લેન્ક દેખાઇ રહી છે.
  • નગરમાં 3 વર્ષ અગાઉ 1.20 કરોડના ખર્ચે લગાવાયેલા કેમેરા માવજતના અભાવે બેકાર
  • હાલ નગરમાં માત્ર 5 જ સીસી કેમેરા ચાલુ હોવાથી ગુનેગારોને મળી રહ્યું છે મોકળું મેદાન

બારડોલી નગરમાં બની રહેલ ચોરી ચેઇન સ્નેચિંગ છેડતી સાથે જ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત 14 માં નાણાંપંચ માથી નગરના વિવિધ 52 પોઈન્ટ પર 1.20 કરોડના ખર્ચે 180 જેટલા કેમેરા લાગાવવામાં આવ્યા હતા. પરંતુ પાલિકા મેન્ટેનસ કરાવવા બાબતે ભૂલી જતા, નગરજનોની સુરક્ષા માટે તીસરી આંખ ગણાતા સીસી કેમેરાઓમાં માત્ર 5 આંખ જ સલામત છે. 175ને બ્લેક ફંગલ લાગી છે. હાલ બંધ હાલતમાં છે. બંધ થવા પાછળ જેતે કામ કરતી એજન્સીની સમય અવધિ પૂર્ણ થઈ હોય, મેન્ટેનન્સ માટે બીજી એજન્સીનું ટેન્ડરિંગ નહિ પડતા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે.

જોકે, શાસકો કેબલ કપાઈ ગયા હોવાથી બંધ હોવાનું જણાવી જવાબદારીમાંથી છટકબારી કરી રહ્યા છે. પરંતુ હજી સુધી કાર્યરત ન કરાતા નગરજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ કહી શકાય. તાજેતરમાં રેલવે ચારરસ્તા પર ભરબપોરે રોકડ ગલ્લો ગઠિયા ઊંચકી ગયા હતા. પરંતુ સર્કલ પર સીસી કેમેરા બંધ હોવાથી પોલીસ પણ નિઃસહાય બની છે. બારડોલી પોલીસ વખતો વખત આ કેમેરા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ ન આવતા નગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધારો થયો છે. નગરની સલામતી માટે મૂકવામાં આવેલ નગરની તીસરી આંખ ગણાતા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડ્યા હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ મળ્યો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

કેમેરા બંધ હોવાથી પોલીસની કામગીરી પર પણ થઇ રહી છે વિપરીત અસર
નગરમાં સીસી કેમેરા બંધ હોવા બાબતે પાલિકામાં મૌખિક અને લેખિતમાં રીપેરીંગ કરવા જાણ કરી છે. કેમેરા બંધ હોવાથી પોલીસની કામગીરીમાં પણ અસર થઈ રહી છે. - પી.વી.પટેલ, પીઆઈ બારડોલી

ટેન્ડર બહાર પાડી,મરામત હાથ ધરાઇ છે
બારડોલી નગરમાં લગાવવામાં આવેલા 180 કેમેરાના પૈકી મોટે ભાગના કેમેરાઓ છેલ્લા ઘણા સમયથી કેબલ કપાઈ જવાના કારણે બંધ છે. ત્યારે નગર પાલિકા દ્વારા તાત્કાલિક ટેન્ડર બહાર પડી મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. -ફાલ્ગુનીબેન દેસાઇ, નગરપાલિકા પ્રમુખ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...