આપઘાત:અલગ થવાની બીકે પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો, ડાંગ જિલ્લાના બંને 7 મહિનાથી કમાલપોરમાં રહી શેરડી કટિંગનું કામ કરતા હતા

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળ ડાંગ જિલ્લાના વતની અને હાલ માંડવીના કમલાપુર ગામે પડાવમાં રહી શેરડી કાપવાની મજૂરી કરતાં પ્રેમી યુવક અને યુવતીએ વતન પરત ફરતી વખતે જુદા પડી જવાના ડરે વૃક્ષ પર ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.

મૂળ ડાંગ જિલ્લામાંથી મજૂરોની ટુકડી દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેકટરીના કાર્ય વિસ્તારમાં શેરડી કાપવાની મજૂરી અર્થે આવે છે. આ જ રીતે ડાંગના નિશાણા ગામના દર્શનાબહેન રામુભાઈ વારલી (18) પણ પોતાની બહેન સાથે અને ઢોંગીઆંબા ગામનો અનિલ ધનસુખ ભાઈ દેવલીયા (22) પણ પોતાના મિત્રો સાથે કામરેજ સુગર ફેકટરીની શેરડી કાપવાની મજૂરી કામે છેલ્લા સાત માસથી આવ્યા હતા અને હાલ માંડવી તાલુકાના કમલાપુર ગામે પડાવ માં રહેતાં હતાં.

શેરડી કાપણીનું કાર્ય જોડી માં કરવામાં આવતું હોય મુકરદમે દર્શના અને અનિલ ની જોડી બનાવી હતી, અને એ જ પ્રમાણે તેઓ કામ કરતા હતા. સાથે મજૂરી કામ કરતી વખતે દર્શના અને અનિલની એક બીજા સાથે આંખો મળી ગઈ હતી. અને તેમણે સાથે જીવવાનો અને સાથે મરવાનો કોલ એક બીજાને આપ્યો હતો. હાલમાં સુગર ફેક્ટરી ની શેરડી ની કાપણીનું કાર્ય પૂર્ણ થઈ ગયું હોય મજૂર પરિવારો પોતાના વતન પરત ફરવાની કામગીરીમાં જોતરાયા હતા.

દિનેશભાઇ અને દર્શના વારલી પણ જ્યાં કામ કરતાં હતાં. ત્યાં કામ પૂર્ણ થઈ જતાં શનિવારે સવારે મજૂરોની ટુકડી પરત વતન ડાંગ જિલ્લામાં જવાની હતી. વતન પરત જવાના કારણે અનિલ અને દર્શનાને જુદા થઈ જવાનો ડર લાગ્યો હતો અને સમાજ પણ એમના સંબંધો સ્વીકારશે નહિ એવો પણ ડર લાગ્યો હતો. આખરે બંનેએ અલગ થવા કરતાં આ ફાની દુનિયા છોડી જવાનો નિર્ણય કરી લીધો હોય તેમ પડાવમાંથી રાત્રીના સમયે નીકળી ગયા હતા.

તેઓ કમલાપુર ગામ નજીક ગૌચરની જમીનમાં આવેલા એક સાદડાના વૃક્ષની ડાળી સાથે અનિલ દોરી વડે અને દર્શના એ ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. સવારે પડાવમાં બંને નહિ દેખાતાં શોધખોળ કરવામાં આવતાં બંનેની લાશ વૃક્ષ પર લટકતી મળી હતી. ઘટના અંગે માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...