માંડવી તાલુકા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની જાહેર થયેલ ચૂંટણી બાદ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. પરંતુ તાલુકાનું સહકારી ક્ષેત્રે વાતાવરણ જળવાય રહે તે માટે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈની સલાહ સૂચન અનુસાર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઇ પારેખની ઉપસ્થિતિમાં એ.પી.એમ.સી.ચૂંટણી બિનહરીફ કરવામાં સફળતા મળી હતી.
માંડવી એ.પી.એમ.સી. નાં જુદા જુદા વિભાગની કુલ ૧૫ બેઠકો પૈકી ૫૦ ફોર્મ ભરાયા હતા, અને આજરોજ ફોર્મ ખેંચવાનાં દિવસે જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઇ પારેખની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. અને ભાજપના ઉમેદવારો વચ્ચે સમાધાન સાધવામાં સફળ રહ્યા હતા.
સહકારી ખરીદ વેચાણ મંડળીઓનાં મત વિભાગમાં કનુભાઈ કે. પટેલ તથા વેપારી મતવિભાગમાં પટેલ દિલીપકુમાર એન., મનીષ (લાલુ) શાહ, સંજીવકુમાર શાહ, નિમેશભાઈ શાહ જ્યારે ખેડૂત મત વિભાગમાં ચૌધરી જશવંતભાઈ , રામૂભાઈ પટેલ, હસમુખભાઇ વસાવા, લલ્લુભાઈ ચૌધરી, દિલીપભાઇ ગામિત, અનિલભાઈ વસાવા, મિનેશભાઇ પટેલ, રોહિતભાઈ પટેલ, સાંગડોત વિક્રમસિંહ એચ., તથા નારૂભાઈ એચ. સોલંકી બિનહરીફ જાહેર કરાયા હતા.
જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઇ પારેખ ઉમેદવારો વચ્ચે સમજણનો સેતુ બંધવામાં સફળ રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી ચંદુભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી, પારૂલબેન સંગઠિયા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ પટેલ અને માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ આતિશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ખેંચવાની કાયદેસરની પ્રક્રિયા ચૂંટણી અધિકારી ડી. એમ. પટેલ તથા એપીએમસી નાં સેક્રેટરી દીપેશભાઇ શાહ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી ટાળવાનો નિર્ણય આવકાર્ય
માંડવી તાલુકાના વિકાસમાં ખુબ જ અગત્યની સંસ્થા એ.પી.એમ.સી.ની ચૂંટણી ટાળવા માટે તાલુકાના સહકારી અગ્રણીઓએ ખૂબ જ સકારાત્મક વલણ દાખવ્યું છે. ત્યારે સૌનો આભાર માનું છું. અને ખેડૂત હિતના નિર્ણયો સાથેના સંચાલન માટેની શુભેચ્છાઓ પાઠવું છું. જગદીશભાઈ પારેખ, જિલ્લા અગ્રણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.