માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે સામાજિક સંગઠન ભીલ ફેડરેશન ઓફ ઇન્ડીયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળના સંયુક્ત ઉપક્રમે ધરતી આંબા ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી મહોત્સવ યોજાતા સુરત તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. શાહુકારો જમીનદારો અંગ્રેજોના જોર જુલમ સામે સતત લડત ચલાવી સમાજને મહામૂલું યોગદાન બિરસા મુંડાજીએ આપ્યું હોવાથી આદિવાસી સમાજ તેમને ભગવાન તરીકે પૂજે છે 15 નવેમ્બરના રોજ બિરસા મુંડાજીજન્મ જયંતી હોવાથી આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાની નરોલી ગામે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાના નેતૃત્વમાં નાની-નરોલી ગામે બિરસા મુંડા જન્મ જયંતીનું ભવ્ય આયોજન થયું હતું. નાની નરોલી ગામના ચાર રસ્તા થી આદિવાસી વેશભૂષા તીર તલવાર જેવા શસ્ત્રો સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી.
આ રેલી ઉજવણી મંડપ પાસે પહોંચતા સભાના રૂપમાં પરિવર્તિત થઈ હતી. ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના અગ્રણી આગેવાનોના હસ્તે કરાઈ હતી. ત્યારબાદ આદિવાસી બાળાઓ દ્વારા આદિવાસી વેશભૂષામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. ત્યારબાદ તમામ તાલુકા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંગઠનના હોદ્દેદાર આદિવાસી કાર્યકર્તાઓ જેમણે આદિવાસી સમાજલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા તમામ આગેવાનોને ભીલ ફેડરેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા એ બિરદાવી હોદ્દેદારો નુ સન્માન કર્યું હતું સાથે નાની નરોલી ગામના સરપંચ ઉપસરપંચ ગામના અગ્રણી બચુભાઈ વસાવા વગેરે આગેવાનોનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે એસ ટી, ઓ બી સી, અને માઈનોરીટી સમાજના હક અને અધિકાર માટે તેમજ ગરીબ પછાત કચડાયેલા દબાયેલા વર્ગના લોકોના ઉત્થાન માટે અમારું સંગઠન કામ કરી રહ્યું છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી બિરસા મુંડા ભગવાન જન્મ જયંતિ ઉત્સવમાં હજારો લોકોએ હાજર રહ્યા છે અને સંગઠનના માધ્યમથી જ ભવિષ્યમાં સમાજ હિતના કામો થશે જેથી ખાસ યુવાનોને લડતમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન આદિવાસી વેશભૂષા સાથે નાચ ગાનના કાર્યક્રમો યોજાયા હતા અને લોકોએ જન્મ જયંતી ની મજા માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.