માંડવી તાલુકાના પાતલ ગામની સીમમાં વહેલી સવારે 32 વર્ષીય બાઇક સવાર યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને પગના ભાગે ઈજાઓ થઈ હતી. યુવાન બાઇક પર હોઈ જેથી તેનાં પર દીપડાએ હુમલો કરતા જ યુવાન ભાગી છુટ્યો હતો.
અચાનક દીપડાએ બાઇક સવાર યુવાન પર હુમલો કર્યો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ માંડવી તાલુકાના પાતલ ગામના વાંજી ફળિયામાં રહેતો 32 વર્ષીય યુવાન રિતેશ સુમનભાઈ ગામીત વહેલી સવારે 6 વાગ્યાનાં અરસામાં મોટર સાયકલ પર સવાર થઈ મોસાલી ગામે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન પાતલ ગામના સીમાડે રાણીકુવા ફળિયા પાસે સુમસણ રસ્તા પર અચાનક દીપડાએ બાઇક સવાર યુવાન પર હુમલો કર્યો હતો. યુવાન પર દીપડાએ હુમલો કરતા ગભરાયેલા યુવાને બાઇક હંકારી પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. 50 ફૂટ સુધી દીપડાએ પીછો કર્યા બાદ દીપડો ઝાડી જાખરમાં ભાગી ગયો હતો. હુમલામાં યુવાનના પગના ભાગે ઈજાઓ થતા તે તાત્કાલિક માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો જ્યાં તેના પગના ભાગે 3 ટાકા આવ્યા હતા. યુવાન પર દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલા બાબતે વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.