પેટ્રોલિંગ છતાં ચોરોનો આતંક:બારડોલીના શ્રીપતિ વીલામાં બીજી વખત અને વ્રજભૂમિમાં તસ્કરો ત્રાટકયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં તસ્કરો પોલીસને હંફાવે છે

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં ભય અને અસુરક્ષિતતાનો માહોલ પણ જોવા મળ્યો

બારડોલીમાં ચોરોને પકડવા માટે રાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સતત પેટ્રોલિંગ વચ્ચે શ્રીપતિ વિલા સોસાયટીમાં ફરી તસ્કરો ત્રાટકયા હતા. વોચમેને તસ્કરોને જોઈ લેતા સાયરન વગાડતા તમામ તસ્કરો ભાગી છૂટ્યા હતા. ત્યાંથી બાજુમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં તસ્કરો પ્રવેશ્યા હતા. જોકે ત્યાં પણ રહીશો જાગી જતા તસ્કરો આંબાવાડીમાં પલાયન થઈ ગયા હતા.

બંદોબસ્તની ઐસી કી તૈસી કરી તસ્કરો બિન્દાસ
બારડોલી નગર અને તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોએ તરખાટ મચાવી અનેકો ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે લોકોમાં ભય અને અસુરક્ષિતતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ માટે માથાનો દુખાવો બનેલા ચોરોને પકડવા માટે રૂરલ પોલીસ, ટાઉન પોલીસ, જી.આર.ડી, હોમગાર્ડ સહીત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પણ બારડોલીમાં કામે લાગી છે. રાત્રી દરમિયાન આટલા બધા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ છતાં બંદોબસ્તની ઐસી કી તૈસી કરી તસ્કરો બિન્દાસ ચોરી કરી રહ્યાં છે.

સાયરન વાગતા ચોર નાસી ભાગ્યા
બે દિવસ પહેલા શ્રીપતિ વીલા સોસાયટીમાં નિવૃત જજ એન.એમ.વ્યાસને ત્યાંથી 1.27 લાખની ચોરી થઈ હતી. જે મામલે હજુ તો પોલીસ તપાસ કરી રહી છે, ત્યાંતો ગતરોજ મોડી રાત્રે સોસાયટીમાં ફરી તસ્કરો ત્રાટકયા હતા. જોકે વોચમેને CCTV માં ચોરોને જોઈ લેતા તેણે વિષલ અને સાયરન વગાડ્યું હતું. તમામ તસ્કરો સાયરન વાગતા જ સોસાયટીની દીવાલ કૂદી બાજુમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં ભાગી ગયા હતા. જ્યાં 41 નંબરમાં રહેતા એન.આર.આઈનાં બંધ મકાનમાં પ્રવેશવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો. પરંતુ મુખ્ય દરવાજો પકડતા જ ઓટોમેટિક તમામ લાઈટ સળગી જાય તેમજ સાયરન વાગે તેવી સુવિધા હોવાથી સાયરન વાગ્યું હતું અને સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો આંબા વાડીમાં ભાગી ગયા હતા. આખર પોલીસ પહોંચતા આંબા વાડીમાં આખી રાત ચોર પોલીસનો ખેલ ચાલ્યો પરંતુ પોલીસના હાથે ચોર લાગ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...