આવેદન:કલેક્ટર અને કોર્ટના આદેશ બાદ પણ બારડોલીના કેબિન ધારકો ન્યાયથી વંચિત

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિમોલિશનનો ભોગ બનેલા કેબીનધારકોએ ન્યાય માટે આવેદન આપ્યું - Divya Bhaskar
ડિમોલિશનનો ભોગ બનેલા કેબીનધારકોએ ન્યાય માટે આવેદન આપ્યું
  • 14 વર્ષ બાદ પણ વૈકલ્પિક જગ્યા ન ફાળવાઇ

બારડોલી ના સ્ટેશન વિસ્તારમાં ગત 2008ના વર્ષમાં રસ્તા પહોળો કરવાના કામે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે રસ્તા નજીક નડતર રૂપ 212 જેટલી કેબિન દૂર કરવામાં આવી હતી. આ કેબિન ધારકોને આજદિન સુધી વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી જેથી તેઓ મોંઘવારીના જમાનામાં મુશ્કેલી વેઠી રહ્યાં છે.

આ બાબતે અસરગ્રસ્ત બનેલા આર્થિક રીતે નબળા કેબિન ધારકોએ બારડોલી નાયબ કલેક્ટરને અરજ કરી ન્યાયની માગ કરી હતી. તેમની રજૂઆતમાં જણાવ્યાં પ્રમાણે આ 212 કેબિન ધારકો 40-50 વર્ષથી સ્ટેશન વિસ્તારમાં કેબિન મૂકી પોતાનો ધંધો રોજગાર ચલાવતાં હતા. આ તમામ કેબિન ધારકો દ્વારા નગરપાલિકાને નિયમિત ભાડું ચુકવતા હતા અને સાથોસાથ ભાડા ચિઠ્ઠી અને ટ્રાન્સફર ફી પણ ચુકવતા હતા.

સને 2008માં રસ્તા પહોળા કરવાના કામે નગર પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને 212 કેબિન દૂર કરવામાં આવી હતી, જે તે સમયે આ આર્થિક રીતે નબળા કેબિન ધારકોને નગરપાલિકાના 25/4/08 ના ઠરાવ નંબર 180 અને 05/01/10 ના ઠરાવ નંબર 275 પ્રમાણે આજવા તમામ કેબિન ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરવાનું નક્કી થયું હતું, જો કે એ બાબતે પાલિકા દ્વારા યેન કેન પ્રકારે સમગ્ર પ્રશ્ન ટલ્લે ચઢાવવામાં આવ્યો હતો જેથી કેબિન ધારકો અન્ય જગ્યા મેળવવાથી વંચિત રહી ગયા હતા.

આ અંગે અરજદારોએ 2013માં સુરત કલેક્ટરને રજૂઆત કરતાં જિલ્લા કલેક્ટરે પોતાના 16/12/13 ના હુકમમાં આજવા કેબિન ધારકોને મુદતી પેલેસ પાછળ આવેલી ખાડી પર ખાડીમાં પાણીનો પ્રવાહ ન અવરોધ એ રીતે જમીનથી એક ફુટ ઊંચો સ્લેબ ભગરી ત્યાં કેબિન ફાળવવા માટે હુકમ કર્યો હતો. એ પછી 2016માં પણ કારોબારી સમિતિમાં ઠરાવ કરી જગ્યા ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

15/7/19ની પાલિકાની સામાન્ય સભામાં શાસ્ત્રી રોડ પર ચંદ્રમણિ શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે અપસેટ વેલ્યૂ પ્રમાણે નાણાં વસૂલ કરી વાદીને દુકાન ફાળવી આપવા પ્રમુખ, કારોબારી અને ચીફ ઓફિસરને સતા આપતો ઠરાવ પસાર થયો હતો. જો કે આ તમામ ઠરાવ અંગે આગળ કામ નહીં થતાં કેટલાક કેબિન ધારકો ન્યાય માટે હાઇકોર્ટમાં ગયા હતાં જે તે સમયે તારીખ 18/9/19 ના રોજ નામદાર હાઇકોર્ટે પણ સુરત કલેક્ટરના આદેશનું પાલન કરવા આદેશ કર્યો હતો. જો કે એ પછી પણ સમગ્ર પ્રકરણમાં પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ન આવતાં ફરી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ સંદર્ભે ગત તારીખ 19/4/22ના રોજ હાઇકોર્ટના નામદાર જજ દ્વારા સુરત કલેક્ટરના આદેશનું પાલન કરવા જણાવ્યું છે ત્યારે પાલિકા સત્તાધીશો આર્થિક રીતે નબળા કેબિન ધારકોને વૈકલ્પિક જગ્યા ક્યારે ફાળવી આપશે એ જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રશ્ન પેન્ડિંગ છે અને સમગ્ર વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...