તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલિયાવાડી:બારડોલી પાલિકાનો 18 લાખનો સોલાર પ્લાન્ટ માત્ર 20 જ દિવસ ચાલ્યાં બાદ અઢી વર્ષથી બંધ

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2018માં પાલિકાની કચેરીમાં ફીટ કરાયેલો પ્લાન્ટ તંત્રની બેદરકારીને લીધે બંધ
  • વીજળી ઉત્પન્ન કરી આવક રળવાનાં સપના જોતી પાલિકા હાલ દર મહિને 30 હજારનું વીજ બિલ ભરી રહી છે

બારડોલી પાલિકાની નવી કચેરીમાં વર્ષ 2018માં ફિટ કરાયેલો સોલાર પ્લાન્ટ માત્ર 20 દિવસ ચાલ્યા બાદ અઢી વર્ષથી બંધ પડ્યો છે.બારડોલી નગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે નવી ઓફિસ બિલ્ડીંગનું લોકપર્ણ વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું. વિશાળ ઓફિસ બિલ્ડીંગની છત પર સોલાર પ્લાન્ટ ચાલુ કરી પાલિકાની ઓફિસ બિલ્ડીંગનું વીજ બીલમાં રાહત અને વધેલ યુનિટથી પાલિકાની આવક પણ થઈ શકે. આ હેતુસર પાલિકા નવા બિલ્ડીંગમાં શિફ્ટ કર્યા બાદ તાત્કાલિક 45 કિલોવોટનો સોલરનો પ્લાન્ટ અંદાજીત 18 લાખના ખર્ચે એજન્સીને સોંપવામાં આવ્યો હતો.

નગરજનો પાલિકાના શાસકો અને અધિકારીઓના નિર્ણયને જે તે સમયે પ્રશંસનીય ગણાવ્યો હતો. પરંતુ સોલાર પ્લાન્ટ ચાલુ કર્યાને હજુ માંડ વીસેક દિવસ થયાં હશે, ત્યાં જ ખામી આવતા સોલાર પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. સોલારના ઇનવર્ટરની કોઈલ બળી ગઈ હોવાનું કહેવાય છે. પાલિકાએ રીપેરીંગ કરાવવામાં નિષ્ક્રિયતા દાખવી હતી. જોકે, પાલિકાના ઇતિહાસ જોતાં શાસકો વહીવટમાં આવતા નગરમાં માત્ર નવા કામ કરવામાં જ ઉત્સુક, સુવિધાના થયેલ કરોડોના વિકાસના કામને પાછળ વળી ઝાઝું ધ્યાન આપતા નથી.

પરિણામે નગરજનોની સુવિધા માટેના ઘણા પ્રોજેકટ પૂરતો સમય ઉપયોગી બનતા નથી. સોલારનો પ્લાન્ટના પણ આવા જ હાલ થયાં છે. અઢી વર્ષથી ઓફિસ બિલ્ડીંગના ઢાબા પર સોલાર પ્લાન્ટને પાલિકા રીપેરીંગ કરાવી શકી નથી. નહિ અધિકારી કે નહીં શાસકોએ રસ લીધો નથી. અત્યાર સુધી ફ્લોપ સાબિત થયેલ સોલાર પ્લાન્ટના કારણે પાલિકા ઓફિસનું વીજ બિલ એવરેજ અંદાજીત 30 હજાર રૂપિયા છેલ્લા અઢી વર્ષથી ભરી રહી છે. બીજી તરફ સોલરથી બચેલા યુનિટની આવકનું તો માત્ર સ્વપ્ન જ સાબિત થયું છે. પરિણામે લાખ્ખો રૂપિયાની ખોટ થઈ છે.

આયોજનમાં શૂરી પાલિકા માવજતમાં વામણી
પાલિકા અઢી વર્ષથી બંધ પડેલ સોલાર પ્લાન્ટ કાર્યરત કરવા કોઈ આયોજન કરાયું નથી. ઉલ્ટા શાસકો પાલિકાનો નાંદિડા ડમપિંગ સાઈડ પર મોટો સોલર પ્લાન્ટ, પાલિકાની તમામ મિલકતો પર મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા ઓફિસના કેમ્પસમાં પાર્કિંગ શેડ બનાવી ઉપર સોલાર ફિટ કરવા બાબતે પણ વિચારાઇ રહ્યું છે. જે સારી વાત છે. પરંતુ અઢી વર્ષથી નગરજનોના 18 લાખ રૂપિયા સોલાર પ્લાન્ટના નામે વેડફાયા છે, જેને ઉપયોગી બનાવવાની જવાબદારી પણ શાસકો અને અધિકારીની છે.

45 કેવીનો સોલર પ્લાન્ટ ચાલુ હોત તો અઢી વર્ષમાં 1.62 લાખ યુનિટ વીજળી જનરેટ થઇ હોત
બારડોલી નગરપાલિકાની ઓફિસ બિલ્ડીંગ પરનો 45 કેવીનો સોલર પ્લાન્ટ વીજ ઉત્પાદન કરવા બાબતે એકપર્ટને પૂછતાં, એક દિવસના એવરેજ અંદાજીત 150 થી 180 યુનિટ વિજ ઉત્પન્ન કરે. જેથી મહિનામાં એવરેજ 5400 યુનિટ વીજળી ઉતપન્ન કરી શકે. જે વર્ષમાં 64,800 યુનિટ મુજબ અઢી વર્ષમાં 1.62 લાખ યુનિટ જનરેટ કરી શકી હોત. પરંતુ પ્લાન્ટ ફિટ થયાના 20 દિવસ બાદ જ બંધ થઇ જતાં પાલિકાને અઢી વર્ષમાં સોલાર પ્લાન્ટથી કોઈ ફાયદો થયો નથી.

એજન્સી મેન્ટેનન્સ ન કરતી હોવાથી મુશ્કેલી
અગાઉની એજન્સીએ કરેલ સોલાર પ્લાન્ટનું કામ બાદ,3 વર્ષ મેન્ટનન્સ એજન્સીએ કરવાનું હોય છે. પરંતુ એજન્સી મેન્ટેનન્સ કરતી ન હોવાથી, જેતે સમયે પાલિકાએ ડિપોઝીટ છૂટી કરી ન હતી. જેથી મામલો RCMમાં ગયો હતો. એજન્સી મેન્ટનન્સ કરતી ન હોય, તેનો સમય પિરિયડ પૂરો નહીં થાય ત્યાં સુધી બીજી એજન્સીને કામ સોંપી નહિ શકાય. થોડા સમય પહેલા જ સમયઅવધી પૂર્ણ થતાં, તાજેતરમાં નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. > કોમલ ધીનૈયા, ચીફ ઓફિસર, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...