નગરજનોના નાણાંનો વ્યય:બારડોલી પાલિકાએ H.T લાઈનના ભાડા પેટે 5.40 લાખ વેડફ્યા, પણ લાભ 1 પૈસાનો નહીં

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંધ પડેલું પંમ્પિંગ સ્ટેશન. - Divya Bhaskar
બંધ પડેલું પંમ્પિંગ સ્ટેશન.
  • પાલિકાના અણઘડ આયોજનના પ્રતાપે 5 વર્ષથી થઇ રહ્યો છે નગરજનોના નાણાંનો વ્યય
  • ગંદા પાણીના નિકાલ માટેની 12 કરોડની લાઈન પણ નિષ્ફળ ગયાના વર્ષો બાદ પણ પ્રશ્ન વણઉકેલ્યો

બારડોલી નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નગરજનોના દર વર્ષે 5.40 લાખ રૂપિયાનો વ્યર્થ બગાડ થઈ રહ્યો છે. સુરતી જકાતનાકા પંપીંગ સ્ટેશન માટે એચ.ટી.લાઈન કનેકશન વર્ષ 2017માં લેવામાં આવ્યું હતું. જેનું મહિનાનું ફિક્સ ભાડું 45000 રૂપિયા હતું. પાંચ વર્ષથી વધુ સમય વિતી ગયો પરંતુ લાઈન કાર્યરત નહિ કરાવી શકતા, વીજ વપરાશ કરવાનો સમય જ આવ્યો નહી, છેલ્લા 5 વર્ષથી આજ સ્થિતિ છે. વપરાશ વગર જ દર વર્ષે 5.40 લાખ રૂપિયા ભાડું ભરતા આવ્યા છે, પરંતુ વ્યર્થ થતો રૂપિયાનો બગાડને અટકાવવા કોઈ આગોતરું આયોજન અધિકારી કે શાસકો કરી શક્યા નથી. છેલ્લા 5 વર્ષમાં 25 લાખથી વધુ રૂપિયાનો વીજ વપરાશ વગર ભાડા પેટે રૂપિયા ભરી ચૂક્યા છે, અને હજુ પણ નવી લાઈન કરવાના કોઈ સંકેત જણાતા નથી.

બારડોલી નગરની 17 હજારથી વધુ ડ્રેનેજ લાઈનના કનેકશનનું ગંદુપાણીને મીંઢોળા નદીમાં છોડાતું બંધ કરવા પાલિકાએ નાંદિડાના ઓકસીડેશન પોન્ડ સુધી લઈ જવા માટે સુરતી જકાતનાકાના પંપીંગ સ્ટેશનથી 5 કિમી લાઈન 12 કરોડના ખર્ચે વર્ષ 2010માં લાઈનનું કામ શરૂ કર્યું હતું. જોકે અનેક અડચણો વચ્ચે વર્ષ 2016 સુધીમાં કામ પૂર્ણ થયું હતું. નગરના 4 પંપીંગ સ્ટેશનનું ગંદુપાણી સુરતી જકાતનાકા સુધી આવ્યા બાદ, નાંદિડા પહોચાડવા માટે સુરતી જકાતનાકાના પંપીંગ સ્ટેશનમાં 75 હોર્સ પાવરની 7 મોટર મૂકવામાં આવી હતી.

જે ચાલુ કરવા માટે પાલિકાએ એચ.ટી. લાઇનનું કનેક્શન માટે નવી ટીસી મૂકાવી હતી. જેનું દર માસનું ભાડું 45000 હજાર નક્કી થયું હતું. વિજ વપરાશ કરો કે, નહિ કરો. ભાડું ફરજિયાત ભરવાનું. વર્ષ 2017માં કનેક્શન ચાલુ કરાવ્યું હતું. અને લાઈન ટેસ્ટિંગ કરતા જ લાઈનમાં ભંગાણ શરૂ થયું હતું. રીપેરીંગ પછી પણ અવાર નવાર લાઈન તુટી હતી. આખર લાઈન ચાલી શકે તેમ ન હોવાનું નક્કી થતાં, બીજી નવી લાઈન જ ઓપ્શન હતું. પરંતુ પાલિકાના શાસકોએ નવી લાઈન અંગે પૂરતા પ્રમાણમાં રસ નહિ દાખવતા સમય વીતતાં 5 વર્ષ થઈ ગયાં છે.

પરંતુ હજુ સુધી નવી લાઈન કરવાના કોઈ ઠેકાણા નથી. આવા સંજોગોમાં જીઇબીમાં પંપીંગ સ્ટેશનનું એચ.ટી. લાઈનનું કનેક્શનના 45,000 રૂપિયા ભાડું દર માસે પાલિકા ભરતી આવી છે. વિજ વપરાશ વગર પાંચ વર્ષથી નગરજનોના રૂપિયા ભાડા પેટે વ્યર્થ બગડી રહ્યા છે. એક વર્ષના 5.40 લાખ રૂપિયા પ્રમાણે અત્યાર સુધી 25 લાખથી વધુ રૂપિયા ઉપયોગ વગર ભાડું ભરી ચૂક્યા છે. પાલિકાના શાસકોને આવા ખોટા ખર્ચ અટકાવવામાં કોઈ રસ જણાતો નથી. વધુમાં નગરની ગંદકી ભર્યું પાણીને મીંઢોળા નદીમાં ઠલવાતું બંધ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

પ્રશ્નનું જલદી નિરાકરણ લવાશે
સુરતી જકાતનાકાથી નાંદીડા સુધી 5 કિમી લાઈન કરવા માટે જીયુડીસીએ કામ હાથમાં લીધું હોય, એક વખત ટેંડરિંગ થયું હતું, પરંતુ કોઈ એજન્સી નહિ આવતા, ફરી એક વખત ટેન્ડરિંગ કામ પ્રોગરેશમાં છે. જેથી જલ્દી નિરાકરણ આવશે. ભાડું બાબતે જાણકારી મેળવી જે અંગે પણ યોગ્ય વિચારણા કરાશે. > ફાલ્ગુની દેસાઇ, પ્રમુખ, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...