આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં જાગૃતિ સભર કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લા આયુષ શાખા દ્વારા આજે પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા હોમિયોપેથી અને આયુર્વેદિક પદ્ધતિથી રોગોના નિદાનનું માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
6 તાલુકામાં આયુષ મેળાનું થશે આયોજન
આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાલ તમામ જિલ્લાઓમાં આયુર્વેદ વિભાગને સાથે રાખીને વિવિધ પ્રકારના જાગૃતિ સભર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા પંચાયતના આયુશ શાખા દ્વારા સુરત જિલ્લાના છ તાલુકામાં આયુષ મેળા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આજે પ્રથમ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદ પદ્ધતિ પણ રોગોથી બચવા માટે ઉપયોગી
એલોપેથિક દવાઓને બદલે હોમિયોપેથીક અને આયુર્વેદ પદ્ધતિ પણ રોગો સામે બચવા માટે ઉપયોગી હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લાના છ તાલુકામાં તબક્કાવાર રીતે આરોગ્ય વિભાગના આયુષ શાખા દ્વારા આવા આયુષ મેળાનું આયોજન કરવામાં આવનાર છે.
મેળામાં દવાઓનું પણ વિતરણ કરાશે
આયુષ મેળામાં દવાને બદલે આયુર્વેદ થકી રોગોને વિના મૂલ્ય સારવાર અને તપાસ તેમજ સાત દિવસ સુધીની જરૂરી દવાઓનો પણ વિતરણ કરવામાં આવનાર છે. આયુષ મેળામાં તમામ રોગોના નિદાનના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા અને ત્યાં એમ.ડી કક્ષાના તબીબો દ્વારા ચકાસણી પણ કરવામાં આવી હતી. પલસાણા તાલુકાની જનતા તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ આ મેળામાં આવરી લઈને વિદ્યાર્થીઓના આરોગ્યને પણ તપાસ કરવામાં આવી હતી. કોરોનાની સંભવિત લહેર તેમજ અન્ય રોગો સામે સાવચેતીના ભાગરૂપે એલોપેથી દવાને બદલે આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓથી પણ ઉપચાર કરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.