ગમખ્વાર અકસ્માત:ઉમરપાડા તાલુકાના રાણી કુંડ ગામના જોખમી ટર્નિંગ પાસે કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ 7 ફૂટ હવામાં ફંગોળાઈ પલટી ગઇ, 2ના મોત, 3ને ઇજા

વાંકલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિવાઇડર સાથે ભટકાયા બાદ 5થી 6 પલટી મારી કાર રોડ નજીકના ખાડામાં ઉતરી જતા ખુરદો થઇ ગઇ હતી. - Divya Bhaskar
ડિવાઇડર સાથે ભટકાયા બાદ 5થી 6 પલટી મારી કાર રોડ નજીકના ખાડામાં ઉતરી જતા ખુરદો થઇ ગઇ હતી.
  • અનેક અકસ્માતોનું કારણ બનેલા ગોઝારા ટર્નિંગે વધુ 2 યુવકનો ભોગ લીધો
  • ઉમરપાડાના કેવડી ગામે મિત્રના લગ્નમાં હાજરી આપી પરત અંકલેશ્વર આવી રહેલા યુવકોને મધરાતે અકસ્માત

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના પાટીયા પાસેના જોખમી ટર્નિંગમાં મોડી રાત્રે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડીવાયડરની રેલિંગમાં અથડાતાં હવામાં ફંગોળાઈને કાર 5થી 6 વખત પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અંદર સવાર 2 યુવકોને ગંભીર ઇજા થવાથી સ્થળ પર મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ યુવકોને ઇજાઓ થતા હાલ સારવાર હેઠળ છે. પાંચ મિત્રો કેવડી લગ્નપ્રસંગમાં આવ્યા હતા, અને ઘરે પરત ફરતી વખતે જોખમી વળાંકમાં અકસ્માત થયો હતો.

વાલીયા ગામે રહેતા કુલદીપસિંહ રામસિંહ દેવધરા અને હાર્દિકકુમાર રમેશભાઈ શાહ બંને મિત્રો અંકલેશ્વર ગયા હતા. ત્યારે અન્ય મિત્રો સાગરસિહ હિમ્મતસિંહ ચાવડા (રહે અંકલેશ્વર), હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર (રહે અંકલેશ્વર) તેમજ સુમિત નટવરભાઈ ચાવડા (રહે અંકલેશ્વર ) આ પાંચ મિત્રો ભેગા થયા હતા. ત્યારે હનુમાન ઉર્ફે તેજસ બાવિસ્કરે મિત્રોને જણાવેલ કે આપણે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં જવાનું છે. જેથી તમામ મિત્રો તૈયાર થયા હતા, અને કુલદીપસિંહ રામસિંહ દેવધરા ની માલિકીની મારુતિ સુઝુકી બ્રિઝા ગાડી નંબર G J 16 B N 1253માં સાંજના સમયે અંકલેશ્વર વાલિયા થઈ ઉમરપાડાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા. અને મોડી રાત સુધી લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ, 5 મિત્રો કારમાં રાત્રિના બે વાગ્યે અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા.

રાણી કુંડ ગામના જોખમી ટર્નિંગ પાસે કાર ચલાવી રહેલ હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર (32) નાઓ એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી કાર માર્ગની બાજુમાં ડિવાઈડર રેલિંગ સાથે ભટકાતા 7 ફૂટ જેટલી ઊંચાઇએ હવામાં ફંગોળાઈને 5 થી 6 પલટી મારી હતી.

આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર અને સુમિત નટવરભાઈ ચાવડાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે ઇજાગ્રસ્ત 3 મિત્રોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. જેમાં હાર્દિક રમેશભાઈ શાહને કમરના ભાગે ઇજાઓ થઇ હતી. જેને હાલ અંકલેશ્વરથી વડોદરા ખાતે સારવાર માટે લઈ જવાયો છે. ત્યાં તેની તબિયત સુધારા પર છે. તેમજ સાગરસિંહ ચાવડા અંકલેશ્વર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે કારના માલિક કુલદીપસિંહ રામસિંહ દેવધરાને સામાન્ય ઇજાઓ થઈ હતી.

એક બાઇકચાલકે અકસ્માતગ્રસ્ત કારને જોઇ અમને ઉઠાડ્યા, અમે તમામને બહાર કાઢ્યા
રાણી કુંડ પાટિયા પાસે નજીકના ખેતરમાં ઝૂંપડું બનાવીને રહેતા ખેડૂત રાજેશભાઈ નરસિંહભાઈ વસાવા ( રહે ગોદલીયા ગામ)ના જણાવ્યા મુજબ અકસ્માત સમયે એક ટુવીલ બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો, તેણે રાત્રીના સમયે અકસ્માતગ્રસ્ત કારની લાઈટો જોઈ હતી, તેમજ ઇજાગ્રસ્તો કણસતા હોવાનું સંભળાયું હતું, જેથી તે મારી પાસે આવીને, મને જગાડતા અમે, અકસ્માત ગ્રસ્ત કાર પાસે ગયા હતા. આ સમયે અન્ય લોકોની પણ મદદ તેમણે માંગી હતી, અને કારમાં ફસાયેલા ત્રણેય યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.

ભૂતકાળમાં પણ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો
વાડી કેવડી માર્ગ પર રાણી કુંડ ગામના પાટિયા પાસે જોખમી ટર્નિંગ છે, અને ઢાળ હોવાથી વાહનોની સ્પીડ વધી જતા ઘણીવાર આ સ્થળે અકસ્માતો થયા છે. ભૂતકાળમાં એક જીપ પલટી મારી જતા 3 લોકોના મોત નિપજ્યા હતા. આ પ્રમાણે સમય અંતરે અકસ્માતની ઘટના આ સ્થળે બનતી રહે છે. ત્યારે અકસ્માતો અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગ તકેદારીના પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે. > ગુલાબભાઈ વસાવા, માજી સરપંચ ઉમરખાડી ગામ

અન્ય સમાચારો પણ છે...