બારડોલી નગરમાં અસ્તાન રેલ્વે ફાટક પર ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેરી વિકાસ દ્વારા અંદાજિત 12 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી, સુગર ફેકટરીથી ખરવાસા જતાં રોડ પરની કેનાલના માર્ગ પર અસ્તાન કડોદ તરફ જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 20 જેટલા ગામના રોજના 800થી વધુ વાહનોની અવાર જવારને કારણે કેનાલ રોડ તૂટીને જર્જરિત થયો છે. 4 માસથી વધુ સમય થઈ ગયો, વાહનચાલકો સતત મુશ્કેલી સહન કરી રહ્યા છે.
આ માર્ગ સાંકડો અને તુટી ગયો હોય, ઊંડા ખાડા પડવા સાથે, એક સાઇડેથી તો ડામરનું લેયર જ ગાયબ થઈ ગયું છે. ઊંડા ખાડાના કારણે વાહનોને સતત અકસ્માતો નડી રહ્યા છે. માંડ 1 કિમી જર્જરિત માર્ગનું રીપેરીંગ માટે પણ જવાબદાર અધિકારીઓ આયોજન કરી શક્યા નથી. માત્ર આયોજનના અભાવે 4 માસથી જર્જરિત કેનાલ રોડ પર લોકોના જીવ સાથે ચેડાં કરાઇ રહ્યા છે.
એક્સપર્ટનું સુચન
ગર્વમેન્ટ એપ્રુવલ એજન્સીના એક પ્રોપરાઈટના જણાવ્યા મુજબ અસ્તાન રેલવે ઓવરબ્રિજની કામગીરી લાંબો સમય સુધી ચાલશે, જેથી કેનાલનો ડાઈવર્જન માર્ગ ચોમાસુ સહિત વધુ સમય માટે અવર જવર કરવી પડશે. જેથી નવો ડામર રસ્તો બનાવવાથી પણ તે સતત અવરજવરને લઇ તુટી જશે, જેથી હાલ ડામર રોડની જગ્યાએ બેઝિક બીએસજીનું કામ કરવું જોઈએ. જેથી રસ્તો ખોદાતા ફરી તાત્કાલિક રીપેરીંગ કામ થઈ શકે અને લો કોને તકલીફ પણ વધુ નહી થઈ શકે.
ખાડાને લીધે મારી મોપેડ સ્લિપ થઇ
કડોદ માંડવી તરફ માટે આ માર્ગે જવામાં મને સરળતા રહે છે. પરંતુ આ માર્ગ પર પડેલા ખાડાને લીધે મારી મોપેડ સ્લીપ થઈ હતી અને મોપેડમાં પણ નુકશાની થઈ હતું. જોકે બે માસ બાદ આજે ફરી આ માર્ગે પસાર થવાનું થયું તો હાલમાં અત્યંત જર્જરિત માર્ગ થઈ ગયો છે. માટે હવે મરામત ન થાય તો અમારે 5 કિમીથી વધુના ફેરાવે કડોદ તરફ જવું પડશે. - રાહુલ સોનવણે, વાહન ચાલક
રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી છે
અસ્તાન કેનાલના જર્જરિત માર્ગ માટે જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ મંજૂર કરાવી છે. ટેન્ડર પ્રોસીઝરની કામગીરી થઇ રહી છે. ટેન્ડર બહાર પાડ્યા બાદ કામ શરૂ કરવામાં આવતા, લોકોની હાલાકી દૂર થશે. - પ્રશાંત ચૌધરી, મદદનીશ ઇજનેર, માર્ગ મકાન વિભાગ પંચાયત, બારડોલી
બારડોલી સહિત 20 ગામના લોકો માટે ઉપયોગી માર્ગના હાલ બેહાલ
અસ્તાન, ધામડોદ લુંભા, સાંકરી, તિંબરવા, રાણી રાજપરા, રાયમ, પંડા, વરાળ, અકોટી, પલસોદ, માંગરોલિયા, ખોજ,પારડી, કંટાળી, હરીપુરા, ભામૈયા, વાઘેચા, મોટી ફળોડ, કડોદ, સમથાણ, મોરી સહિતના અનેક ગામના લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.