પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે પેજ સમિતિ સભ્યોને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા અને મહાઠગ ગણાવ્યા હતા.ભાજપાના વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં કડોદરા હાજર રહેલા પ્રદેશ પ્રમુખએ પેજ સમિતિ પ્રમુખોને સંબોધતા જણાવ્યુ હતું કે, 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે મારા કાર્યકરોને ત્રણ દિવસ વેકેશન ભોગવવાનું જણાવ્યુ હોવા છતાં વેકેશન રાખ્યા વગર તાપમાં પાર્ટીના કામોમાં વ્યસ્ત છે.
સાથે તેમણે જણાવ્યુ હતું કે, ચૂંટણી આવે ત્યારે ચોમાસાના દેડકાની જેમ કેટલાક નેતાઓ આવી જાય છે. અન્ય દિવસે પ્રજાની મદદ માટે નજરે પડતાં નથી. આવા જ એક મહાઠગ ગુજરાતમાં આવી રહ્યો છે અને ગુજરાતની પ્રજાને મફતની ઓફર કરી ભ્રમિત કરવા પ્રયત્ન કરશે. પરંતુ ગુજરાતની પ્રજા સારી રીતે સમજે છે અને તે મફત માગતી નથી.
આપની ખાલીસ્તાની અને BTPની નેગેટિવ માનસિકતાનું ગઠબંધન
સ્વરાજ આશ્રમ ખાતે સી.આર. પાટિલે જણાવ્યુ હતું કે, 33 જિલ્લા અને 8 મહાનગરોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાશે. જે.પી. નડ્ડા અંગે જણાવ્યુ કે, તેમનો કાર્યક્રમ 30 એપ્રિલનો જ હતો. આજનો કાર્યક્રમ તેમને અનુકૂળ ન હોય ઉપસ્થિત રહી શક્યા નથી. આપ અને બીટીપીના ગઠબંધન અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભૂતકાળમાં આવા ગઠબંધન થયા છે, પરંતુ તે સફળ રહ્યા નથી. બીટીપી સાથે જો આપ ગઠબંધન કરે તો એ આપની ખાલીસ્તાની માનસિકતા અને બીટીપી પણ વિશિષ્ટ નેગેટિવ માનસિકતા છે.
ભાજપના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઇની તાકાત નથી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, જે રીતે કડોદરાની રેલીમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા તે અનોખુ દ્રશ્ય જોવા મળ્યું હતું. 2022ના ભાજપના અશ્વમેઘ યજ્ઞને રોકવાની હવે કોઇની તાકાત નથી. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યુ હતું કે, હાલ જિલ્લામાં તમામ તાલુકા પંચાયત, જિ. પંચાયત અને પાલિકામાં ભાજપનું શાસન છે. 7 વિધાનસભામાંથી 6માં ભાજપ છે. માત્ર માંડવી જ કોંગ્રેસ છે. આવનારી ચૂંટણીના પરિણામમાં સાતે સાત સીટ પર ભાજપ જીત મેળવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.