બારડોલી નગર પાલિકા દ્વારા નગરમાં 900 જેટલા દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવનાર છે. ત્યારે અમદાવાદની એજન્સીને કામ સોંપી ટ્રાયલ બેઝ પર 20 જેટલા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જે તમામ શોભાના ગાંઠિયા સમાન લગાવાયેલા છે. ઝાડની ડાળીઓના ઓથા હેઠળ લગાવવામાં આવેલા દિશા સૂચક બોર્ડ 10 ફૂટ દૂરથી પણ રાહદારીઓનાં નજરે નથી આવી રહ્યા.
રાહદારીઓમાં રોષ જોવા મળ્યો
બારડોલી નગર પાલિકા દ્વારા નગરમાં સોસાયટીઓ માટે લગભગ 540 જેટલા બોર્ડ અને મુખ્ય ચાર રસ્તાઓ ખાતે 360 જેટલા દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવનાર છે. જે કામગીરી અમદાવાદની એજન્સીને 88.76 લાખના ખર્ચે સોંપવામાં આવી છે. તો બીજી તરફ હાલ ટ્રાયલ બેઝ પર કામગીરી શરૂ કરી શાસ્ત્રીરોડ ખાતે 20 જેટલા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જે તમામ ઝાડની ડાળીઓ અથવા તો અન્ય પ્રવેશ દ્વારની પિલર પાછળ લગાવવામાં આવ્યા છે. જેને લઈ રાહદારીઓને બોર્ડ સ્પષ્ટ નજરે પડતા નથી. ત્યારે રાહદારીઓમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.
લગાવેલા બોર્ડનાં સ્થળોની વિઝીટ કરાશે: ફાલ્ગુની દેસાઈ
સમગ્ર મામલે નગર પાલિકાના પ્રમુખને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ માત્ર ટ્રાયલ બેઝ પર તમામ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. તમામ સ્થળોની વિઝીટ કર્યા બાદ અન્ય બોર્ડ લગાવવાની પરવાનગી આપવામાં આવશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પ્રાથમિક ધોરણે જ લગાવાયેલા દિશા સૂચક બોર્ડ પર જો સાશકોનું ધ્યાન ન હોય તો અન્ય 900 જેટલા નગરમાં બોર્ડ લગાવવામાં આવનાર છે. તેના પર સાશકો કેવું અને કયા પ્રકારનું ધ્યાન આપશે?.
બોર્ડ જ નહીં દેખાય તો કઈ રીતે દિશા બતાવશે: મિતેષ પાટીલ
બારડોલીનાં શાસ્ત્રી રોડ પર હાલ દિશા સૂચક બોર્ડ નગર પાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે. જે શ્રેષ્ઠ કામગીરી સાશકોએ કરી છે. બારડોલીમાં રહેતા સ્થાનિકોએ તમામ માર્ગો જોયા છે. પરંતુ બહારથી આવતા લોકો માટે લગાવવામાં આવેલા સાઈન બોર્ડ સ્પષ્ટ નજરે ન પડતા આ બોર્ડ માત્ર શો પૂરતા જ લગાવ્યા હોવાનું સ્થાનિક યુવકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.