મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ:બારડોલીમાં ટાયર પંચર બનાવતા કારીગરને માથાભારે શખ્સે માર માર્યો; પંચર બનાવડાવી પૈસા નહિ ચૂકવી ગુંડાગીરી કરી

બારડોલીએક મહિનો પહેલા

બારડોલીના આર.ટી.ઓ નજીક આવેલી એસ.એસ ટાયર્સ નામની દુકાનના કારીગરને નજીવી બાબતે માર મરાયો હતો. જુના પાવર હાઉસ ભરવાડ વસાહત ખાતે રહેતા માથાભારે ઈસમે ગાડીનું ટાયર પંચર બનાવી પૈસા નહિ આપી કારીગરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી.

કારીગરને પૈસા નહિ આપી માર માર્યો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી આર.ટી.ઓ નજીક અનિલ ગોવિંદભાઈ રાજપૂત એસ.એસ ટાયર્સ નામની દુકાન ચલાવે છે. ગઈકાલે મંગળવારે બપોરના સમયે જુના પાવર હાઉસ ભરવાડ વસાહતમાં રહેતો જોગાભાઈ પોતાની મોટર સાયકલમાં પંચર પડતા બનાવવા માટે આવ્યો હતો. મોટર સાયકલ મૂકી ગયા બાદ સાંજના સમયે તે મોટર સાયકલ પરત લેવા આવ્યો હતો. મોટર સાયકલની ટ્યુબ ફાટી ગઈ હોવાથી દુકાનના કારીગર ઇમરાને ટ્યુબ નવી નાખી હતી. જેને લઈ જોગાભાઈએ ઇમરાન સાથે ઝઘડો કરી પૈસા આપ્યા વિના મોટર સાયકલ લઈ ગયો હતો. જે બાબતે ઇમરાને માલિક અનિલભાઈને જણાવ્યું હતું.

ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ
બાદમાં રાત્રીના 9 વાગ્યા આસપાસ જોગાભાઈ તેના પિતા અને ભાઈ સાથે પરત આવ્યો હતો અને લાકડીના સપાટે ઇમરાન પર હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન દુકાનમાં હાજર અનિલભાઈ અને ગ્રાહકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થવા પામી છે. ઘટના બાબતે દુકાન માલિક અનિલભાઈ રાજપૂતે બારડોલી પોલીસ મથકે ફરિયાદ અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...