સુરત શહેર અને જિલ્લામાં સોનીની દુકાનોમાં હથિયારો દ્વારા લૂંટ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગને સુરત જિલ્લા LCB પોલીસે ઝડપી પાડી છે. પ્રાણઘાતક હથિયારો, લૂંટ કરવાનો અન્ય સામાન તેમજ ગુજરાત પોલીસના યુનિફોર્મ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. સાથેજ ચાર લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લા LCBને મોટી સફળતા મળી હતી. ઘટનાએ પ્રકારની બની હતી કે, 28મી જાન્યુઆરીના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક તુલસીપાર્કમાં આવેલા આદિનાથ જવેલર્સના શોરૂમમાં 6 જેટલા ઈસમોએ પિસ્તોલની અણીએ લૂંટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ જવેલર્સના સંચાલકે બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી છુટ્યા હતા. જે બાબતે સુરત ગ્રામ્ય LCB પોલીસ ઘણા દિવસોથી તપાસ કરી રહી હતી. આ તમામ આરોપી પૈકી બ્રિજેશકુમાર રામ આશરે સિંગ નામના ઈસમ તેના સાગરીતો સાથે મળીને આદિનાથ જવેલર્સમાં લૂંટ પ્લાન બનાવ્યાનું બહાર આવ્યું હતું. આ તમામ આરોપીઓ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી મંગલમ પાર્કમાં રહેતા હોવાની માહિતી પોલીસને મળી હતી.
સુરત ગ્રામ્ય પોલીસે ત્યાં છાપો મારતાં મોટા પ્રમાણમાં હથિયારો તેમજ લૂંટ કરવાના ઉપયોગમાં આવેલા વાહનો સહિતના મુદ્દામાલ મળી આવ્યો હતો. સુરત ગ્રામ્ય પોલીસે તમામ મુદ્દામાલ સાથે 3 જેટલા આરોપીની પણ ધરપકડ કરી હતી. જેમાં ડીંડોલી વિસ્તારના મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા બ્રહ્મદેવસિંહ રાજપુત, હેમંત બ્રહ્મદેવસિંહ રાજપુત, તેમજ મુખ્ય સૂત્રધાર એવા ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી બ્રિજેશ રામ આશરે સિંગની પોલીસે ધરપકડ કરી હતી. 3 આરોપી પૈકી આરોપી બ્રિજેશકુમાર વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર હથિયારો રાખવા લૂંટ તેમજ ધાડ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ 3 પૈકી અન્ય 7 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરાયા છે. 7 આરોપી પૈકી વિશાલ ઉર્ફે કિસન રાવત સામે પણ યુ.પીમાં ગુંડા એક્ટ મુજબ અનેક કેસો નોંધાયેલા હોવાની પણ વિગતો બહાર આવી છે.
સુરત ગ્રામ્ય પોલીસે પકડેલા આંતરરાષ્ટ્રીય આરોપીઓ ભેગા મુખ્ય આરોપી બ્રિજેશકુમાર રામ આશરે સિંહ પોતે અલગ અલગ રાજ્યોમાંથી ગુનાહિત ભૂતકાળ ધરાવતા ગેંગના સભ્યોનો સંપર્ક કરતો અને પૈસાની લાલચ આપીને દેશી બનાવટી પિસ્તોલ નંગ 3, તમંચા નંગ 1, ગેસ કટર જેવા હથિયારો રાખતા હતા. જેઓ અલગ અલગ રાજ્યમાં મોટા જવેલર્સના શોરૂમની રેકી કરી લૂંટ કરતા હતા. આરોપી બ્રિજેશ કુમારે અગાઉ પણ ચલથાણ ખાતે મોટી ઘટનાને અંજામ આપવા માટે રેકી કરી હતી, પરંતુ પોલીસનું પેટ્રોલિંગ વધતા તે યુ.પી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપી પાસેથી 3 પિસ્તોલ, 1 તમંચો, 1 રિવોલ્વર, 66 જીવતા કાર્ટુસ, ચપ્પુ, લોખંડના સળિયા તેમજ ગુજરાત પોલીસના લોગોવાળો યુનિફોર્મ, ચાર બાઈક મળી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.