સ્થાનિકોમાં ભારે રોષ:અંત્રોલી - ઓવિયાણ પુલનું કામ ભાજપ નેતાએ અટકાવતા ગ્રામજનોમાં રોષ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાતમુહૂર્ત કર્યાના 2 વર્ષ વિત્યા બાદ માંડ માંડ ચૂંટણીના દબાણવશ કામ શરૂ કરવાની તૈયારી શરૂ કરી હતી

વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની ખાડીના પુલનું કામ વિવાદે ચઢ્યું છે. ખાતમુહૂર્ત કર્યાના 2 વર્ષ જેટલો સમય વિત્યા બાદ માંડ માંડ ચૂંટણીના દબાણવશ કામ શરૂ કરવાની તૈયારી શરૂ કરી હતી. ત્યાં તો ફરી એક વખત પુલની નજીક આવેલા એક ગામના ભાજપના પૂર્વ નેતાએ પુલની કામગીરીમાં ગ્રહણ ઊભું કર્યું છે. તેમણે માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ અને એજન્સીને બાંધકામ મામલે કોર્ટમાં લઈ જવાની ધમકી ઉચ્ચારવામાં આવતા ફરી એક વખત કામગીરી અટકી પડી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પલસાણા તાલુકાનાં અંત્રોલી અને ઓવિયાણ વચ્ચેના ખાડીના પુલનું ભૂત ફરી એક વખત ધૂણ્યું છે. ગત લોકસભાની ચૂંટણીમાં અંત્રોલી ગ્રામજનોએ પુલ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આગેવાનોએ સમાધાનની નીતિ અપનાવી હતી. લોકોના રોષને થાળે પાડવા માટે નેતાઓએ 2 વર્ષ અગાઉ પુલનું ખાતમુહૂર્ત પણ કરી દીધું હતું. પરંતુ ખાતમુહૂર્ત બાદ એક ઈંટ પણ મૂકવામાં આવી ન હતી. દરમ્યાન હવે વિધાનસભાની ચૂંટણી આવતા જ ફરી વખત બહુચર્ચિત પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

માંડ માંડ એક એજન્સી દ્વારા આ પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ખાડીના પુલના સામે પાર આવેલા એક ગામના ભાજપ આગેવાન પુલ પર પહોંચ્યા હતા. હાલ પાર્ટીમાંથી કટ ટુ સાઇઝ થઈ ગયા હોવા છતાં સત્તાનો નશો ઓછો થતો નથી. પુલ પર ડાયવર્ઝનની વ્યવસ્થા નહીં થાય તો અધિકારી અને એજન્સીને કોર્ટમાં ઢસડી જવાની આ ભાજપ આગેવાન દ્વારા ધમકી આપવામાં આવી હતી. આથી પુલનું કામ શરૂ થાય તે પહેલા જ બંધ થઈ ગયું છે. હાલમાં ખાડીમાં પાણીનું લેવલ વધારે હોવાથી ડાયવર્ઝન આપી શકાય એમ નથી.

હાલમાં ઓવિયાણથી વરેલી કે છેડછા ગામથી મુખ્યમાર્ગને જોડતો રસ્તો હોવા છતાં ડાયવર્ઝનની માગ કરી આ ભાજપ નેતા દ્વારા વિકાસના કામમાં રોડા નાખવામાં આવી રહ્યા છે. બે વર્ષથી કામ શરૂ નહીં થતાં પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ નેતાએ પુલની કામગીરી શરૂ થાય તે પહેલા જ ધમકી આપતા એજન્સીએ કામ બંધ કરી દેતાં સામી ચૂંટણીએ ભાજપને મતદારો સમક્ષ મોં બતાવવા જેવુ રાખ્યું નથી. પુલને લઈને ચૂંટણીમાં મોટો વિવાદ થાય તેમ હોય સ્થાનિક નેતાઓ આ મામલે રસ લઈ કામ વહેલી તકે ચાલુ કરાવે તેવી માગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...