તંત્ર નિદ્રાંધિન:સફાઇ માટે બંધ કરેલી આંગણવાડી 15 દિવસ બાદ પણ શરૂ ન થતાં રોષ

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતાના અભાવે બંધ કરાયેલી તલાવડી વિસ્તારની આંગણવાડી. - Divya Bhaskar
સ્વચ્છતાના અભાવે બંધ કરાયેલી તલાવડી વિસ્તારની આંગણવાડી.
  • બારડોલીમાં તલાવડી વિસ્તારની આંગણવાડી બંધ
  • મરામત ચાલુ હોવાથી આંગણવાડી બંધ છે: પાલિકા

બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં આવેલ બે આંગણવાડીમાં 2 નંબરની આંગણવાડીમાં પાલિકાએ બનાવેલા જાહેર શૌચાલયનું ગંદુ પાણી જતું હોવાથી અત્યંત દુર્ગંધ આવતી હોવાને લીધે, આંગણવાડીની બારી બારણાં બંધ રખાતા હતા. જેને લઈ પાલિકામાં રજુઆત કરાતા આંગણવાડીથી પસાર થતી ગટર લાઇનની મરામત તેમજ આંગણવાડીની સફાઈ માટે પાલિકાએ આંગણવાડી બંધ કરાવી આવિસ્તારની આંગણવાડી-1 માં બાળકોને સિફ્ટ કર્યા હતા. જે વાતને 15 દિવસનો સમય વીતવા છતાં હજુ આંગણવાડી કાર્યરત નહિ કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

બારડોલી નગરના તલાવડી વિસ્તારની આંગણવાડીના આગળના ભાગે પાલિકાનું જાહેર શૌચાલય છે. આંગણવાડીની પાછળ સ્ટેડિયમના ચાલીરહેલ કામના લીધે માટી પુરાણ દરમિયાન શૌચાલયની ગટર લાઇન બ્લોક થઈ હતી, જે ગટર લાઇનનું ગંદુ પાણી આંગણવાડીમાં જતું હોવાથી આંગણવાડીમાં આવતા 40 જેટલા ભૂલકાઓને અત્યંત દુર્ગંધમાં બેસવાની નોબત આવી હતી. વિદ્યાર્થીઓના સ્વસ્થ્ય સામે પણ પ્રશ્ન ઊભા થતાં તલાવડી વિસ્તારના જાગૃત સભ્યોએ પાલિકામાં રજૂઆત કરી હતી.

પાલિકાદ્વારા આંગણવાડીના પરિસરમાં આવતા ગંદા પાણી અટકાવવા માટે પ્રયાસો કરાયા જોકે મરામતમાં થોડો સમય લાગતો હોવાથી આંગણવાડી બંધ કરી તલાવડી વિસ્તારમાં જ આવેલ 1 નંબરની આંગણવાડીમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા, જેથી બે આંગણવાડીના કુલ 70 જેટલા વિદ્યાર્થીઓ એકજ આંગણવાડીમાં રાખવામા આવ્યા છે આંગણવાડીની મરામત થઈ તેમજ સાફ સફાઈ પણ થઈ ચૂકી હોવા છતાં તંત્ર જાણે કોઈ મુહરતની રાહ જોતું હોય એમ હજુ આંગણવાડીના તાળાં ખોલવામાં આવ્યા નથી, જેથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓને પણ હાલાકી થઈ રહી છે.

ટૂંક સમયમાં ફરી આંગણવાડી શરૂ કરાશે
આંગણવાડીની ગંદકી તેમજ ડ્રેનેજ લાઇનની મરામતનું કામ પાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. મરામત ચાલુ હોવાથી બાળકોને અન્ય આંગણવાડીમાં ખસેડાયા હતા. ટૂંક સમયમાં ફરી આંગણવાડી શરૂ કરાશે. - ફાલ્ગુનીબેન દેસાઇ, પ્રમુખ, બારડોલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...