સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં કલેકટરને જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં જે-તે વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બારડોલી મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ગામોમાં ગુજરાત ગેસ કંપનીની પાઈપલાઈન અંતર્ગત ગ્રામપંચાયતો અને એજન્સીઓ વચ્ચે રિસ્ટોરેશન ચાર્જ અને વાર્ષિક ભાડા અંગેના પેન્ડીંગ પ્રશ્નનું સત્વરે નિવારણ આવે તેવી રજુઆત કરી હતી.
આ ઉપરાંત તેમણે મગદલ્લા-ધુલિયા નેશનલ હાઇવે નં.53 ઉપર બારડોલી તાલુકાના નાંદિડા અને ઉવા ગામે સર્વિસ રોડ તથા પલસાણાના મલેકપોર ગામે સર્વિસ રોડ બનાવવા અંગે રજુઆત કરી હતી. જે પૈકી નેશનલ હાઈવેના અધિકારીએ આ કાર્ય પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલે બારડોલી આસપાસના ગામડાઓમાં ડીજીવીસીએલના એગ્રીકલ્ચર ફીડરોના તારોની અસામાજિક તત્વો દ્વારા વારંવાર ચોરી કરવામાં આવતી હોય જેના કારણે ખેડુતોને વીજપુરવઠો સમયસર મળતો નથી જે બાબતે સત્વરે ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ, પ્રવિણ ધોધારી, વિવેક પટેલ, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર વા.બી. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.