બોટાદ ખાતે થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજ્યની તમામ પોલીસ દેશીદારૂના દુષણને ડામવા કામે લાગી છે. ત્યારે બારડોલી ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા 185 સ્થળોએ રેડ કરવામાં આવી છે. સાથે જ દેશીદારૂ અને રસાયણ વેચાણનાં કેસો કરવામાં આવ્યા છે. અનેકો સ્થળોએ દેશીદારૂની ભઠ્ઠીઓ પણ તોડવામાં આવી છે.
ગામોમાં રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી
કથીત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાના કારણે 55થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે રાજ્યની પોલીસ દેશીદારૂના વેપલાને સદંતર ડામવા માટે એક્શનમાં આવી છે. સુરત ગ્રામ્ય ડી.એસ.પી હિતેશ જોયસરે દેશીદારૂની ભઠ્ઠીઓ, બનાવટ, વેચાણ તેમજ રસાયણનાં વેચાણ પર રોક લગાવવા તમામ પોલીસ મથકોને કડક સૂચન કર્યું છે. બારડોલી ટાઉન તથા રૂરલ પોલીસનાં પી.આઈ એન.એમ.પ્રજાપતિ તથા પી.એસ.આઈ ડી.આર.રાવ તથા એમ.બી.આહીર દ્વારા બારડોલી નગર, સરભોણ, મોતા, મઢી, કડોદ, વાકાનેર સહિતના આસપાસના ગામોમાં રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
છેલ્લા 3 દિવસમાં કુલ 185 સ્થળોએ રેડ કરવામાં આવી
બારડોલી તાલુકામાં છેલ્લા 3 દિવસમાં કુલ 185 સ્થળોએ રેડ કરવામાં આવી હતી. જયાંથી પોલીસને દારૂ વેચાણ બંધ હોવાનું જાણવા મળતા નીલ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. દેશી દારૂના વેચાણના કુલ 17 કેસો, દેશી દારૂ બનાવવા માટે વપરાતા રસાયણના વેચાણના 10 કેસો સહીત દારૂ ગાળવાની 4 ભઠ્ઠીઓ સાથે વિદેશી દારૂના 5 કેસો કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આગામી સમયમાં ડ્રોન કેમેરાથી વોચ રાખી રેડ કરશે : ડી.આર.રાવ, પી.એસ.આઈ
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રૂરલ પોલીસ દ્વારા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી દેશી દારૂનું દુષણ ડામવા પ્રયત્ન કરવામાં આવશે. કારણકે નદી કિનારે તેમજ ઝાડી ઝાખરામાં ભઠ્ઠીઓમાં દેશીદારૂ ગાળવામાં આવે છે. તેવી ભઠ્ઠીઓ પર રેડ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી જે તે સ્થળે રેડ કરવામાં આવશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.