બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે અને તમામ શહેરો તેમજ જિલ્લાની પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા તાપી નદીના કિનારા વિસ્તાર તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત એવી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન પોલીસે 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.
પોલીસનું ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ
કથિત લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે અને હજુ પણ કેટલાક ભોગ બનનાર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ કામે લાગી હતી. કામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ PI આર.બી.ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે
પોલીસે ડ્રોનથી અંતરિયાળ ક્ષેત્રોમાં ચાલતી ભઠ્ઠીઓ ઝડપી
રેડ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ વેચાણ, રસાયણ વેચાણ, દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક કેસો કરવામા આવ્યા છે, પરંતુ નદી કિનારે તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત દેશી દારૂની ભઠ્ઠીઓ કોઈને ધ્યાને આવતી નથી. તેવી ભઠ્ઠીઓ પર રેડ કરવા પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તાલુકાનાં ગામેગામ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ દરમિયાન પોલીસની નજરે 6 ભઠ્ઠી આવતાં તમામ સ્થળે રેડ કરી ભઠ્ઠીઓ તોડવામાં આવી છે. પોલીસ દ્વારા દેશી દારૂનું દૂષણ સદંતર બંધ ન થાય ત્યાં સુધી ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ જ રહેશે એવું પણ જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.