જીવન ટુંકાવી દીધું:પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીને પતિ, સાસુએ ત્રાસ આપતાં ફાંસો ખાધો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન કરવા યુવકે યુવતીની સગાઈ પણ તોડાવી હતી

બારડોલીના ગુરુ નગર વિસ્તારમાં રહેતાં એક પર પ્રાંતીય ઈસમે સ્થાનિક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક અને તેની માતાએ યુવતીને શારીરીક અને માનસિક ત્રાસ આપતાં આખરે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ અંગે બારડોલી પોલીસ મથકે યુવક અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

મળેલી વિગત પ્રમાણે બારડોલી નજીક તેન ગામે રહેતાં જ્યોત્સ્ના બહેન રાઠોડ મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત થોડા સમય પહેલાં તેમની દીકરી ધ્રુવી રાઠોડ (20)ને નજીકમાં જ રહેતાં અને મૂળ મેરઠ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ગુરુ નગર ગોડ ગિફ્ટ એપાર્ટમેન્ટમાં રહેતાં વિશાલ રવીન્દ્ર શર્મા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતાં. એ પછી તેમણે લવ મેરેજ કર્યા બાદ મેરેજ રજિસ્ટર કરાવ્યાં હતા.

પ્રેમ લગ્ન બાદ ધ્રુવી પતિ સાથે સાસરીમાં રહેવા ગઈ હતી પરંતુ એકાદ માસ પછી સાસુ સીમા દેવી રવીન્દ્ર શર્માએ પોતાની વહુ ધ્રુવીને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો અને અવાર નવાર ઝગડો કરવા માંડ્યો હતો. એ પછી સાસુએ દંપતીને ઘરમાંથી કાઢી મુક્તા તેઓ ભાડાના ઘરમાં રહેવા આવી ગયા હતાં. જો કે એ પછી પણ સીમા દેવીએ પોતાના દીકરાને વહુ વિરુદ્ધ ચઢામણી કરતાં રહેતા હતા અને જેથી વિશાલ અને સીમા દેવી બંને ભેગા મળી ધ્રુવીને મારઝૂડ કરતા હતાં. આખરે પતિ અને સાસુના માનસિક અને શારીરીક ત્રાસને કારણે કંટાળી ગયેલા ધ્રુવી બહેને ગુરુવારે સાંજ પછી કોઈ પણ સમયે ઘરમાં રહેલ પંખા સાથે ઓઢણી બાંધી તેના વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.

આ અંગે જ્યોત્સના બહેને પોતાના જમાઈ અને આરોપી એવાં વિશાલ રવીન્દ્ર શર્મા અને સીમાદેવી રવીન્દ્ર શર્મા સામે બારડોલી પોલીસ મથકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ સુધારણા અધિનિયમ 1989 અને આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાસરીવાળાઓએ ધ્રુવી પર કોઈ વિધિ કરવા માટે ભુવાને પણ બોલાવ્યો હતો
આરોપી વિશાલ અને ધ્રુવી વચ્ચેના પ્રેમ સંબંધથી અજાણ એવાં ધ્રુવીના પરિવારજનોએ ધ્રુવીની સગાઈ સામાજિક રાહે સમાજ ના જ એક યુવક સાથે કરી હતી. જો કે આરોપી વિશાલે ધ્રુવી સાથે લગ્ન કરવાના ઇરાદે તેની સગાઈ પણ તોડાવી નાંખી હતી, અને બાદમાં લગ્ન કર્યા હતાં. ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે સાસરીવાળાઓએ ધ્રુવી પર કોઈ વિધિ કરવા માટે ભુવાને પણ બોલાવ્યો હતો. ધ્રુવીને પોતાની માતા સાથે પણ તેઓ વાત કરવા દેતા ન હતાં. આખરે જીવનથી કંટાળી ગયેલા ધ્રુવી બહેને ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...