ઓલપાડના કીમ ગામે રહેતા અને સંઘર્ષનો પર્યાય બનેલા ગીતાબેન પઢીયારની કરુણ પરિસ્થિતિ દિવ્યભાસ્કરના માધ્યમથી વર્ણવતા સેવાભાવી લોકો મદદ માટે આગળ આવ્યા હતા. ત્યારે અહેવાલ બાદ કીમની સંસ્કાર વિદ્યાલયે પણ માનવતા મહેકાવી હતી. ગીતાબેનના ધોરણ 7 માં ભણતા નાના દીકરા કાર્તિકને એક પણ રૂપિયો ફી લીધા વિના શાળામાં ભણાવવાની જવાબદારી લીધી છે.
ઓલપાડના કીમ ગામે રહેતા અને સંઘર્ષનો પર્યાય બનેલા ગીતાબેન પઢીયારની કરુણ સ્થિતિ ઉજાગર થયા બાદ મદદ મળવાની શરૂ થઈ હતી. પતિનું બીમારીને કારણે ત્રણ મહિના પહેલા અવસાન થયું. મોટા દીકરા શુભમને નોન રિસ્પોન્સિવ એપિલેપ્સીની બીમારીથી 10 વર્ષથી બાંધી રાખવો પડે, આવક વિના નાના દીકરાને ભણાવવાનો, નોકરી ધંધે જવાય નહિ, ઘર ટેમ્પોના લોન હપ્તાની ચિંતા જેવી બાબતોને લઈ દિવ્યભાસ્કરે મહિલાની સ્થિતિ વર્ણવી હતી.
જે બાદ ગીતાબેનની મદદે અનેક સેવાભાવી લોકો આગળ આવતા મદદ મળી રહી છે ત્યારે આ પ્રસંગ કીમમાં આવેલી સંસ્કાર વિદ્યાલયના સંચાલકોને કાને જતા વિકટ સ્થતિમાં ગીતાબેનની પડખે રહેવાનો નિર્ણય કર્યો હતો.અને આજરોજ કીમની સંસ્કાર વિદ્યાલય શાળાએ ગીતાબેનના ધોરણ 7 માં ભણતા નાના દીકરા કાર્તિકને એકપણ રૂપિયો ફીસ લીધા વિના ધોરણ 12 સુધી ભણાવવાની જવાબદારી લઈ માનવતા મહેકાવી હતી. આ ઉમદા નિર્ણયને કારણે પરિવાર તેમજ સ્થાનિકો થકી શાળાને આવકારની લાગણી મળી હતી, જેથી પરિવારને મોટી રાહત થઈ જવા પામી છે. આ ઉપરાંત અન્ય શેક્ષણિક જરૂરિયાત પણ હશે તેઓ પુરી પાડશે તેમ જાણવા મળે છે.
ધોરણ 12 સુધીની ફી માફ
ગીતાબેનનો નાનો દીકરો કાર્તિક અમારે ત્યાં ધોરણ 7 માં ભણે છે. જેમની દુઃખ કહાની જાણી અમને ખૂબ દુઃખ થયું. અમે ટ્રસ્ટી મંડળે પરિવારની પડખે ઉભા રહેવાનો નિર્ણય કર્યો. ધોરણ 7માં ભણતા કાર્તિકની ફી અમે માફ કરી છે. એકપણ રૂપિયો લીધા વિના અમારી શાળા કાર્તિકને ધોરણ 12 સુધી ભણાવશે ઉપરાંત અન્ય શૈક્ષણિક જરૂરિયાત પણ પૂરી કરીશું. મેહુલભાઈ ભટ્ટ ટ્રસ્ટી-સંસ્કાર વિદ્યાલય , કીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.