યુદ્ધનાં ધોરણે કામગીરી:પલસાણામાં જમીનદોસ્ત થયેલા વૃક્ષો હટાવી 24 કલાકની કામગીરી બાદ વીજપ્રવાહ પુનઃ શરૂ કરાયો

બારડોલી24 દિવસ પહેલા

શનિવારે આવેલા વાવાઝોડામાં ઢળી પડેલા વૃક્ષો અને અસરગ્રસ્ત મકાનોને કડોદરા પાલિકાની ટીમે સુધારતાં લોકોમાં રાહત થઈ હતી. પલસાણા તાલુકાના કેટલાયે ગામોમાં વાવાઝોડામાં પડી ગયેલા વીજ કંપનીના થાભલાઓ 24 કલાકમાં ઉભા કરાવી વીજળી પ્રવાહ રાબેતા મુજબ ચાલું કરાવ્યો હતો.

વાવાઝોડા સાથેના વરસાદે તબાહી સર્જી
શનિવારના રોજ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ આવતા કડોદરા નગરપાલિકા વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ તુટી ગયા હતાં. ઉપરાંત ઘરોના છાપરા ઉડી જતા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી સાંજે શરૂ થયેલા વાવાઝોડા સાથેના વરસાદે કડોદરા નગરમાં ભારે તબાહી સર્જી હતી. પલસાણા તાલુકાના કરણ, ચલઠાણ, બલેશ્વર, કડોદરા તેમજ જોડવા સહિતના અનેક વિસ્તારોમાં વિજપોલ પડી ગયા હતા. જેમાં કડોદરા નગરપાલિકા વિસ્તારમાં ખાડી ફળિયા વિસ્તારમાં કેટલાય ઘરોના છાપરાઓ પણ ઉડી ગયાં હતાં. તેમજ કડોદરા નગરમાં મુખ્ય રસ્તાઓ પર અનેક વૃક્ષો પવનમાં જમીનદોસ્ત થતા બાજુમાંથી પસાર થતી વીજ લાઈનોને પણ અસર પડી હતી. જેને લઈ વીજ કંપનીના અધિકારીઓ કામે લાગ્યા હતા. સાથે જ પાલિકાના સત્તાધીશો પણ કામે લાગ્યા હતા. અને યુદ્ધનાં ધોરણે કામગીરી પૂર્ણ કરી હતી.

વરસતા વરસાદમાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ
વૃક્ષો જમીનદોસ્ત થતા અસંખ્ય વીજપોલ પડી જતા મોડી સાંજે વરસતા વરસાદમાં જ કડોદરા નગરપાલિકાના પદાધિકારીઓએ જમીનદોસ્ત થયેલા વૃક્ષોને પાલિકાના જેસીબી મશીનની મદદથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ રાતે જ વીજ કંપનીના અધિકારીઓ સાથે સંકલન કરી સાથે રાખી કામે લગાડતા વરસતા વરસાદમાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી જમીનદોસ્ત થયેલા વૃક્ષો હટાવી 24 કલાકની કામગીરી બાદ વીજપ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કડોદરા ખાડી ફળિયામાં આવેલા મકાનના છાપરા ઉડી ગયા હતા. તેને પણ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક નવા છાપરાઓ નાખવામાં આવતા કડોદરા નગરની જનતાએ રાહતના શ્વાસ લીધા હતાં.

200 જેટલા કર્મચારીઓની ટીમ રાતોરાત કામે લાગી
​​​​​​​
પલસાણા તાલુકામાં ભારે વરસાદી માહોલ સાથે પવન ફૂકાતાં 58 જેટલા વિજપોલ 5 જેટલા ડબલ સ્ટ્રક્ચર પોલ તેમજ 11 જેટલા કિલોમીટર લાંબા વાયરો તૂટી પડતા જી.ઇ.બી તંત્ર કામે લાગ્યું હતું. 99 જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ, 101 જેટલા વિભાગના કર્મચારીઓ તેમજ 28 જેટલા અધિકારીઓએ 24 કલાક ફરજ બજાવી વીજ પુરવઠો રાબેતા મુજબ કરાવ્યો હતો. આખા તાલુકામાં 120 જેટલા ફીડરો ફોલ્ટમાં હતા. જે તમામ રીપેર કરતા લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...