દેદવાસણમાં ગ્રામજનો અને શિક્ષિકા વચ્ચે વિવાદ:4 મહિનામાં 2 વાર શાળાની તાળાબંધી બાદ હવે પોલીસ બંદોબસ્તની સાથે અભ્યાસ શરૂ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોનો શિક્ષિકા પર ગેરવર્તણૂંકનો આક્ષેપ, બીજી તરફ શિક્ષિકાએ ગ્રામજનોની ઉગ્રતા જોઇ પોલીસ પ્રોટેક્શન માંગ્યું

મહુવા તાલુકાના દેદવાસણ ગામમાં આવેલ વર્ગ શાળા ફરી તાલુકામાં ચર્ચાસ્પદ બની છે. ગ્રામજનોએ શિક્ષિકા ગર વર્તણૂંક કરતા હોવાના આક્ષેપો સાથે તાળાબંધી કરી, બદલીની માંગ કરી હતી. આ વિવાદ બાદ ગામનું વાતાવરણ તંગ બન્યુ હતુ. પોલીસમાં મારામારીના બે ગુના પણ નોંધાયા હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે શાળાના તાળાં ખોલાવી શાળા શરૂ કરાવી હતી. આખર શિક્ષિકાએ મહુવા પોલીસ સમક્ષ રક્ષણની માંગણી કરતા, પોલીસ બંદોબસ્ત સાથે શિક્ષિકાને શાળામાં લઈ જવામાં આવે છે. અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્યના સમય દરમિયાન આખો દિવસ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહુવા તાલુકાના દેદવાસણ ગામે આવેલ વર્ગ શાળાને ગત તા-19/09/2022ના રોજ ગ્રામજનો ભેગા થઈ શાળાની તાળાબંધી કરવામાં આવી હતી. ઘટના બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા, અને ગ્રામજનો સાથે ભેગા મળી શાળામાં અન્ય એક પ્રવાસી શિક્ષકની નિમણૂક કરી સમાધાન કરી ગ્રામજનોએ ગેટને મારેલું તાળું ખોલાવ્યુ હતુ. પરંતુ ત્રણ માસ બાદ 26 ડિસેમ્બરના રોજ પ્રવાસી શિક્ષક રાજીનામું મુકી શાળા છોડી જતા, ગ્રામજનો અને શિક્ષિકા વચ્ચે ફરી વિવાદ શરૂ થયો હતો.

જેને લઈ ગ્રામજનોએ ફરી ભેગા મળી ગત તા-30/12/2022ને શુક્રવારના રોજ બપોર બાદ પોલીસની હાજરીમાં શાળાને તાળાં બંધી કરવામાં આવી હતી. જેને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયુ હતુ. શાળાને તાળાં બંધી બાદ શિક્ષણમાં રાજકારણ ઘૂસતા દેદવાસણ ગામનો માહોલ પણ ગરમાયો હતો. અને મારામારીની ઘટના બનતા મહુવા પોલીસે મારામારીના બે ગુના પણ નોંધાયા હતા. આ ઘટના બાદ મહુવા પોલીસે દેદવાસણ ગામે જઈ રવિવારે શાળાના તાળાં ખોલાવ્યા હતા.અને શૈક્ષણિક કાર્ય શરૂ કરાવ્યું હતુ.

આ ઘટના બાદ શિક્ષિકાએ પોલીસ સમક્ષ રક્ષણની માંગણી કરતા, હવે, પોલીસ બંદોબસ્ત સાથે શિક્ષિકાને શાળામાં લઈ જવામાં આવે છે અને શૈક્ષણિક કાર્ય દરમિયાન આખો દિવસ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જેને લઈ મહુવા તાલુકા સહિત સમગ્ર શિક્ષણ આલમમાં દેદવાસણ પ્રાથમિક શાળાના વિવાદનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.શાળામા પોલીસ બંદોબસ્ત જોઈ વાલીઓમાં પણ હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બાળકોના શિક્ષણનો ભોગ લઇ રહેલા વિવાદનો કાયમી ઉકેલ જરૂરી
દેદવાસણ ઝાડી ફળિયામા આવેલ વર્ગ શાળા શિક્ષિકા અને ગ્રામજનોના અંદરો અંદર ચાલી રહેલ વિખવાદને લઈ વિવાદમા આવી છે. હાલ આ શાળા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બની છે. ચાર મહિનામા બે વાર શાળામાં તાળાં બંધી કરવામાં આવી છે.પોલીસ બંદોબસ્ત સાથે શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે નવા વરાયેલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત જિલ્લાના જ અન્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ આ ગંભીર મુદ્દે ધ્યાન આપી ગ્રામજનો અને શિક્ષિકા વચ્ચે ચાલતા વિવાદનો કાયમી ઉકેલ લાવે એવી માંગ તાલુકાની જાગૃત જનતા સેવી રહી છે.

જજ, મામલતદાર શિક્ષણાધિકારીએ સ્પોટ વિઝિટ કરી
દેદવાસણ વર્ગ શાળામાં ચાલતો વિવાદ વધુ ન વકરે અને ગામનું વાતાવરણ વધુ તંગ ન બને તે માટે બુધવારના રોજ મહુવા કોર્ટના જજ સાહેબ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મહુવા પીએસઆઈ, બારડોલી સીપીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દેદવાસણ ગામે ગયા હતા. અને ગ્રામજનો તેમજ વાલીઓ સાથે મીટિંગ યોજી બાળકોને શાળામાં મોકલવા માટે સમજાવ્યા હતા.જેને લઈ ગુરુવારના રોજ શાળામાં બાળકોની વધુ હાજરી જોવા મળી હતી. અને હાલપુરતું બાળકોનું શિક્ષણકાર્ય પુન: વેગવંતું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...