પાંચ કલાકે આગ પર કાબૂ:મઢી સુગર ફેક્ટરીના બગાસના ગોડાઉનમાં આકસ્મિક આગ

બારડોલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત 40,000 લીટર કરતાં પણ વધુ પાણીનો વપરાશ
  • બારડોલી ફાયર બ્રિગેડે પાંચ કલાકે આગ કાબૂમાં લીધી

બારડોલી તાલુકાના મઢી ખાતે કાર્યરત સુગર ફેક્ટરીના બગાસ ગોડાઉનમાં શનિવારે સવારે આકસ્મિક આગ ફાટી નીકળી હતી. બારડોલી પાલિકા ફાયર વિભાગ ને જાણ થતાં સ્ટાફ તાકીદે આગના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મઢી સુગર ફેકટરીમાં બોઇલર પ્લાન્ટ પાસે શેરડી કુચો (બગાસ) મુકવા માટેનું ગોડાઉન આવેલ છે, જેમાં શેરડીમાંથી રસ કાઢી લઈ બાદમાં નીકળતા બગાસ સંગ્રહ કરવામાં આવે છે.

સુગર ફેક્ટરીમાં ફરજ બજાવતો સ્ટાફ પોતાના કાર્યમાં વ્યસ્ત હતો. તે વખતે શનિવારે સવારે બગાસના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળતાં સુગર ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગના બનાવ અંગે મિલના સેફટી ઓફિસર નીરવભાઈ ભાવસારે બારડોલી ફાયર બ્રિગેડ સ્ટાફને ટેલિફોનિક જાણ કરતાં ફાયર સ્ટાફ બંબા સાથે તરત જ મઢી જવા રવાના થયા હતાં.

ગણતરી ની મિનિટ માં મઢી સુગર ખાતે પહોંચી ગયેલા ફાયર વિભાગે આગ પર ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો શરૂ કર્યો હતો અને ધીમે ધીમે આગ કાબૂમાં આવવા માંડી હતી. અંતે બપોરે 1.30 કલાકના અરસામાં પાંચ કલાકની મહેનત બાદ ફાયર સ્ટાફે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.

આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન અંદાજિત 40,000 લીટર કરતાં પણ વધુ પાણીનો વપરાશ થયો હતો. આ આગના બનાવમાં ગોડાઉનમાં રાખવામાં આવેલ બગાસનો જથ્થો બળી જતાં સુગરને મોટું નુકસાન થયું હતું, જો કે સદનસીબે બનાવ દરમિયાન કોઈ ને ઇજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...