અકસ્માત:ગંગાધરા ગામના રોડ પર બે દિવસ અગાઉ બનાવેલા સ્પીડબ્રેકરથી અકસ્માતની વણઝાર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પીડબ્રેકર ઉંચા હોવાના કારણે વાહનો ઉછળે છે, પર સફેદ પટ્ટા ન પાડવામાં આવતાં અકસ્માત

પલસાણા તાલુકાના ગંગધરા ગામથી બારડોલી કડોદરા હાઈવેને જોડતા માર્ગા પર બે દિવસ અગાઉ બનાવવામાં આવેલ સ્પીડબ્રેકર લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે. સામાન્ય કરતાં ઉંચા સ્પીડબ્રેકર અને સફેદ પટ્ટા ન પાડવામાં આવતાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે. બે દિવસમાં જ અકસ્માતની વણઝાર લાગી ગઈ છે, જો જલદી યોગ્ય ન કરવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ બનતી જ રહેશે. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના ગંગાધરા ગામથી બારડોલી કડોદરા રોડને જોડતા માર્ગનો ઉપયોગ ઘણા લોકો કરે છે.

આ માર્ગ ગંગાધરાથી કારેલી થઈ મોતા સુધી જતો શોર્ટ કટ હોવાથી રોડ પર ભારણ રહે છે. ગત બે દિવસ અગાઉ સંબંધિત તંત્ર દ્વારા રોડ પર સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે. જે સ્પીડબ્રેકર અણઆવડતથી બનાવ્યા હોવાથી વધુ ઉંચા હોવાને કારણે અકસ્માતના નોતરી રહ્યાં છે. તેમજ સ્પીડબ્રેકર બનાવી તેના પર સફેદ પટ્ટા પાડવામાં ન આવતાં વાહનચાલકોને નજરે પડતાં નથી. શનિવારે બપોરના સમયે મંડપનો સામાન ભરીને પસાર થઈ રહેલા ટેમ્પોના ચાલકને સ્પીડબ્રેકર નજરે ન પડતાં ટેમ્પો ઉછળ્યો હતો. ટેમ્પો ઉછળતાં જ ટેમ્પોમાં ભરેલ સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો.

જેથી પાછળથી આવતા વાહનચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમજ શનિવારે સવારે દૂધ ભરીને જતો ટેમ્પો ઉછળતાં ટેમ્પામાંથી ત્રણ કેન નીચે પડી જતાં દૂધ ધોળાઈ ગયુ હતું અને એક મોટરસાઈકલ ચાલક ઉછળતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા ચાલક અને સવાર બંને પટકાતા જેમાં એકને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળેલ છે.સ્પીડબ્રેકર બનાવ્યાને માત્ર બે દિવસ થયા છે તેમાં જ અકસ્માતની વણજાર લાગી છે. સંબંધિત તંત્ર સ્પીડબ્રેકરને યોગ્ય કરી તેની પર પટ્ટા પાડવામાં આવે એ જરૂરી છે.

સ્પીડબ્રેકરની ઉંચાઈને કારણે ટેમ્પો ઉછળ્યો
હુ ટેમ્પો લઈને જઈ રહ્યો હતો ઝાડના પડછાયામાં નવા બનાવેલા સ્પીડબ્રેકર નજરે ન પડ્યા હતાં. ટેમ્પો કંટ્રોલ કર્યો હતો, પરંતુ સ્પીડબ્રેકરની ઉંચાઈને કારણે ટેમ્પો ઉછળતાં પાછળ બાંધેલ મંડપનો સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો. સદ્દનસીબે પાછળ આવતા વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વાહન કાબૂમાં લીધુ હતું. - રવિ પટેલ, ટેમ્પો ચાલક

અન્ય સમાચારો પણ છે...