મહુવા તાલુકાના કવિઠા ગામે રાત્રી દરમિયાન એક કાચું મકાન ધરાશાયી થયુ હતુ. સદનસીબે ઘરમાં રાત્રી દરમિયાન સુતા પરિવારના તમામ સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. ગામના સરપંચને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે જઈ પરિવારજનો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.
તમામ પરિવારના સભ્યોનો ચમત્કારિક બચાવ
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, મહુવા તાલુકાના કવિઠા ગામે તાડ ફળિયામાં રેહતા ભીખાભાઈ હળપતિનુ કાચુ મકાન રાત્રીના 3 વાગ્યાના અરસામા અચાનક ધરાશાયી થયુ હતું. સદનસીબે આ બનાવમાં ઘરમાં સુતા તમામ પરિવારના સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. કાચુ મકાન ધરાશાયી થતા ઘરમાં મુકેલા અનાજ સહિતની તમામ ઘરવખરીને મોટુ નુકશાન થયુ હતું.
સરપંચની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી
ઘટના અંગે કવિઠા ગામના સરપંચ હેમંતભાઈ પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે જઈ ઘટના અંગે તલાટી કમ મંત્રીને જાણ કરી હતી. ગરીબ પરિવારને સરકારી સહાય સત્વરે મળે એ માટે રજુઆત કરી હતી. આ ઉપરાંત સરપંચ દ્વારા ગરીબ પરિવારને રોકડ સહાય આપી તેમના રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા જુના પંચાયત ઘરમાં કરવામાં આવી હતી. ગરીબ પરિવારને તાત્કાલિક સહાય માટે સરપંચ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને કવિઠા ગ્રામજનોએ બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.