બારડોલીમાં AAPનો રોડ શો:બાબેન ખાતેથી તલાવડી સુધી આપની સંકલ્પ યાત્રા યોજાઈ, ભાજપ કાર્યાલય પાસે પહોંચતા મોદી મોદીનાં નારા લાગ્યાં

બારડોલીએક મહિનો પહેલા

બારડોલી ખાતે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના સમર્થનમાં સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા અને પંજાબના ધારાસભ્ય સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના કાર્યાલય નજીક પહોંચતા બન્ને પક્ષોએ સામસામે નારાબાજી શરૂ કરી હતી.

રાજેન્દ્ર સોલંકીના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે અને પક્ષનો પ્રચાર તેમજ રેલીઓ અને મતદારોને રીઝવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ આ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે, ત્યારે સુરત જિલ્લામાં ત્રીપાખીઓ જંગ જામ્યો છે. બારડોલીની વાત કરીએ તો બારડોલીને ખાસ કરીને ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપના ગઢમાં બારડોલી વિધાનસભામાંથી ભાજપના જ જુનાજોગી એવા રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે. ત્યારે રાજેન્દ્ર સોલંકીના સમર્થનમાં બાબેન અંબામાતા મંદિરે દર્શન કરી સંકલ્પ યાત્રા યોજી રોડ શો યોજવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં આપના આગેવાનો હાજર રહ્યાં
આ યાત્રા સુગર ફેકટરીથી નીકળી સ્વરાજ આશ્રમ મેઇન રોડથી તલાવડી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ સંકલ્પ યાત્રામાં આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ જિલ્લા પ્રમુખ કેતન પટેલ તેમજ ઉપ પ્રમુખ કમલેશ વાસફોડા અને પ્રવીણ રાઠોડ અને ખાસ કરીને પંજાબનાં ધારાસભ્ય જગદીપ કંબોજ તેમજ તેમની ટીમ હાજર રહી હતી.

આપની યાત્રામાં ભાજપના કાર્યકરોએ નારા લગાવ્યા
બારડોલીના બાબેન ગામેથી નીકળેલી આપની સંકલ્પ યાત્રામાં ગોપાલ ઇટાલિયા જોડાયા હતા. જે યાત્રા મુખ્યમાર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે યાત્રા ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના કાર્યાલય નજીક પહોંચતા સામસામે નારાબાજી શરૂ થઈ હતી. ઈશ્વર પરમારના કાર્યાલય બહાર અનેકો કાર્યકરો ભાજપનો ઝંડો લઈ ઉભા હતા અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. જ્યારે આપના કાર્યકરો અને ઉમેદવારે ખુદ ઝાડુ બતાવી નારેબાજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...