મોરી ગામના ટ્રેક્ટરના ડ્રાઈવરને કોઈ કારણસર અજાણ્યા ઇસમે ક્રૂરતા પૂર્વક લાકડીના સપાટા મારી, કપાળના ભાગે તીક્ષણ હથિયારથી ઘા માર્યા હતા. ત્યારબાદ ગળે ટૂંપો આપી હત્યા કરી હતી, બાદમાં યુવકની લાશને ઝાડી ઝાંખરમાં ફેંકી હત્યારો ફરાર થઈ ગયો હતો. મોરી ગામે કોલી ફળિયુમાં રહેતો પ્રકાશભાઈ હળપતિ (42) પત્ની મધુબેન અને દીકરી સાથે રહે છે. 20 વર્ષથી ગામના ખેડૂત કમલેશ ગોકુળભાઈ પટેલને ત્યાં ટ્રેકટર પર ડ્રાઇવિંગનું કામ કરે છે. રવિવારે પણ સવારે ટ્રેકટર પર ડ્રાઇવિંગ કરવા જવા નીકળ્યો હતો. મોડી સાંજે ખેડૂતના ઘરે ટ્રેકટર આવી ગયું હોવા છતાં પતિ પ્રકાશભાઈ ઘરે નહીં આવતા દિયર અંબુભાઈ હળપતિને ફોન કરી જણાવતા, સાંજના કમલેશભાઈ પટેલના ખેતરમાં નાનો ભાઈ શોધવા નીકળ્યો હતો. ત્યારે ખેતરના ઘોડા ખાડી તરફના શેઢા નજીક ઝાડી ઝાંખરમાં પ્રકાશભાઈની હત્યા કરેલ લાશ પડી હતી. જેથી પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી ઇન્વેસ્ટિગેશન શરૂ કરતાં, યુવાનને લાકડીના સપાટા માર્યા હતા. ત્યારબાદ તિક્ષણ હથિયારથી કપાળના ભાગે ઘા મારી, ટૂંપો આપી હત્યા કરી હતી અને લાશને ઝાડી ઝાંખરમાં ફેંકી હત્યારો ભાગી ગયો હતો. હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પરિવારને પણ કોઈ પર શક ન હોવાનું જણાવે છે. પોલીસ જરૂરી નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. કોની સાથે છેલ્લે પ્રકાશ હળપતિ જોવા મળ્યો હતો, જેવી પૂછપરછ શરૂ કરી છે. બારડોલી પોલીસમાં ભોગ બનનારના નાનાં ભાઈની ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.