સુરત જિલ્લાના મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં કેફી પદાર્થનું સેવન કરેલ એક બાઈકચાલકે સામેથી આવતી મોપેડને રોંગ સાઈડ પર જઈ અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આખી ઘટના પાછળ આવી રહેલા બાઇક સવાર યુવાને પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી છે. મોબાઇલ ફોનમાં લાઈવ અકસ્માતની ઘટના કેદ થવા પામી હતી.
નશામાં ધૂત બાઈકચાલકે મહિલાને અડફેટે લીધી
મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં અકસ્માતની ઘટના બની હતી. એક મોટર સાયકલ નં. GJ-16-CD-739નાં ચાલકે દારૂના નશાની હાલતમાં પોતાના કબ્જાનું વાહન પુરપાટ ઝડપે હંકારી સામેથી આવતી મોપેડ નં. GJ-05-GP-1383 સાથે રોંગ સાઈડ પર જઈ ધડાકાભેર અથડાવી હતી. અકસ્માતમાં મોપેડ પર સવાર નિલેશ્વરીબેન વજેસિંગ અને વીણાબેન ચંદુભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ નશામાં ધૂત બાઈકચાલક વિજય આહિર નામના યુવાનને પણ હાથે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી છે. સમગ્ર મામલે મહુવા પોલીસે ઇજાગ્રસ્ત વીણાબેનનાં પુત્ર ચેતનભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની ઘટના મોબાઇલ ફોનનાં કેમેરામાં કેદ
નશામાં ધૂત હાલતમાં મોટર સાયકલ સવાર વિજય આહિર "કભી દાયે કભી બાયે" મોટર સાયકલ હંકારી રહ્યો હતો. જે પીધેલી હાલતના ડ્રાંઇવીગને રમુજમાં લેવા માટે તેની પાછળ બાઇક હંકારી રહેલ એક યુવાને તેના મોબાઇલ ફોનમાં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જે વીડિયોમાં અકસ્માતની ઘટના કેદ થઈ જવા પામી હતી. પીધેલ બાઈક ચાલક વિજય આહિર અચાનક મોટર રોંગ સાઈડ હંકારી જાય છે અને મોપેડ પર સવાર બે મહિલાને અડફેટે લેતા ત્રણેને ગંભીર ઈજાઓ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.