પ્રેમસંબંધમાં મારામારી:બારડોલીના એક ગામે સોસાયટીમાં પડોશન સાથે પ્રેમસંબંધના વહેમમાં ધીંગાણું મચતા સામસામી ફરિયાદ નોંધાઈ

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં શુક્રવારની મોડી રાત્રે પડોશન સાથે પ્રેમસંબંધ હોવાની શંકા ધરાવી બે પરિવારો વચ્ચે લાકડીના સપાટાઓ સાથે ધીંગાણું મચતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

જાણવા મળતી માહિતી મુજબ, ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા જમીન દલાલ દીપક કાળીદાસ સોલંકી નામના પરણીત પુરુષને તેની પડોશમાં રહેતી હીનાબેન નામની પરણીતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આજથી 11 મહિના પહેલા વડીલો અને સમાજના આગેવાનોએ સમજાવટ કરી સમાધાન કરતા બંને છુટા પડ્યા હતા અને પ્રેમસંબંધ છૂટો થયો હોવાનું જાહેર કર્યું હતું. પ્રેમિકા હીનાને તેના પરિવારજનોએ સચિન મુકામે તેની માસીના ત્યાં રહેવા મોકલી આપી હતી. જમીન દલાલી સાથે સંકળાયેલા પ્રેમી દીપકને ગત ચાર પાંચ દિવસથી સચીન ખાતે જમીન દલાલીના કામે જવાનું થતું હતું. સાંજના સમયે ઘરે પરત ફરતા સમયે દિપક એક પાણીપુરીની લારી ઉપર ઉભો રહેતો હતો.

આ સમયે તેની પ્રેમિકા હિના નોકરી ઉપરથી પરત ફરતા સમયે દીપકને જોતી હતી. આ બાબતની જાણ થતાં તેની માસી વનીતાબેન સોલંકી , હિમાંશુ સોલંકી તથા માસીનો દીકરો યાજ્ઞિક સોલંકી શુક્રવારની રાત્રીના સમયે તેના ગામની ચાણક્યપુરી સોસાયટીમાં આવ્યા હતા. જ્યાં આવેલા સાંઈ મંદિર પાસે રહેતા દીપક સોલંકીના ઘરે પોંહચી ઘરમાં હાજર દીપકની પત્ની પ્રીતિબેન તથા પુત્ર ચિરાગની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા તેઓને લાકડીના સપાટા માર્યા હતા. આ સમયે દીપક પણ આવી પોહચતાં તેને પણ માર મરાયો હતો. દીપકના પરિવારને જાનલેવા ધમકીઓ આપતા ઇજાગ્રસ્ત દીપકના પરિવારને સારવાર લેવાની નોબત આવી પડી હતી. સામાન્ય ઇજા પામેલા દીપકને રજા અપાઇ હતી. જે દરમ્યાન તેણે બારડોલી પોલીસ મથકે ચાણક્યપુરીમાં રહેતા પાડોશી નિરૂબેન નાગજીભાઈ સોલંકી, વનીતાબેન સોલંકી, હિમાંશુ સોલંકી તથા યાજ્ઞિક સોલંકી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

બીજી તરફ સામા પક્ષે યાજ્ઞિક સુરેશ સોલંકી દ્વારા પણ તેઓ સમજાવટ કરવા ગયા ત્યારે દીપક સોલંકી તેના પુત્ર ચિરાગ તથા તેની પત્ની પ્રીતિબેન મળી ત્રણેયે વળતો હુમલો કરી લાકડીના સપાટાઓ મારતા વળતી ફરિયાદ નોંધાઈ હતી. પરણીત હોવા છતા પોતાની પડોશન સાથે પ્રેમસંબંધ બાંધી અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાની વાતો ફેલાતા મોડી રાત્રે ચાણક્યપુરી સોસાયટીમાં સાંઈ મંદિર પાસે જાહેરમાં ધીંગાણું મચતા ભારે ચર્ચાઓ ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...