ભાસ્કર વિશેષ:જિલ્લામાં કુલ 526 સંવેદનશીલ મતદાન મથક

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં કુલ 4637 મતદાન મથકો પૈકી 16 મોડેલ મતદાન મથક હશે

ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-2022ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે સૂરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીઓ મુકત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું5/11/2022ના રોજ પ્રસિધ્ધ થશે. તા.14/11/2022ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તથા તા.15/11/2022ના રોજથી ઉમેદવારીપત્ર ચકાસણી તથા 17મી નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેચી શકાશે. 1/12/2022ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 8/12/2022ના રોજ થશે. કલેકટરે કહ્યું કે, ચૂંટણીની આચારસંહિતાને ધ્યાને લઈ ફોર્મ નંબર -7 અને ફોર્મ નંબર-8 ની કામગીરી બંધ કરવામાં આવી છે. જયારે ફોર્મ નંબર -6ની કામગીરી શરૂ રહેશે.

નોમીનેશનના છેલ્લા દિવસના અગાઉના દસ દિવસ પહેલા ઓનલાઈન નવા મતદારની નોંધણી માટે ફોર્મ નંબર-૬ થી ચાલુ રહેશે. સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાશેે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયાનું મોનીટરીંગ કરવા માટે MCMC સેન્ટરની રચના કરવામાં આવી છે.

ચૂંટણીલક્ષી જાહેરાતોનુ ચેનલોનું સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવા માટે EMMC સેન્ટર આયોજન ભવન જુની કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ પણ જાહેરાતો માટે સર્ટીફીકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મંજૂરી મેળવવી જરૂરી છે.

જિલ્લાની 16 વિધાનસભામાં સમાવિષ્ટ 4623 મતદાન મથકોમાં 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2546933 પુરુષ તથા 2192109 મહિલા મતદારો તથા અન્ય 159 મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 4623 મતદાન મથકો આવેલા છે જે પૈકી 14 મતદાન મથકો Auxililary Polling stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. જેથી કુલ મતદાન મથકો વધીને 4637 તૈયાર થશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લામાં કુલ 526 પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન નકકી કરવામાં આવ્યા છે. તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરાશે. તથા 2632 મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. 164-ઉધના વિધાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવ્યું છે.

જિલ્લામાં કુલ 112 મહિલા મતદાન મથકો
વિધાનસભા ક્ષેત્ર દીઠ 07 મહિલા મતદાન મથકો, 01 દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, 01 મોડેલ મતદાન મથક તથા 01 ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવશે. આમ, સુરત જિલ્લામાં કુલ 112 મહિલા મતદાન મથકો, 16 દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, 16 મોડેલ મતદાન મથકો તથા દરેક વિધાનસભામાં એક-એક ગ્રીન મતદાન મથક, જેમાં કોઈ પણ પ્રકારનું સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહી તથા રિયુઝેબલ અને રિસાઈકલિંગ વસ્તુઓનો જ ઉપયોગમાં લેવાશે. 01 યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ 25 થી 30 વય જુથના હશે) ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો કલેકટરે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...