પલસાણા પી.આઈ.એ.ડી. ચાવડાનાઓએ ખાનગી રાહે મળેલ બાતમી આધારે ઇટાળવા નજીક એક હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરતા ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓ માંથી ડીઝલની ચોરી કરતા ટ્રક ડ્રાઇવરો તેમજ વચેતીયાઓને ઝડપી 12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ પી.આઈ.એ.ડી.ચાવડા સહિત પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.આઇ.ને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે પલસાણાના ઇટાળવા ગામ નજીક ને.હા 53 પર આવેલ શ્રીનાથ કાઠિયાવાડી હોટલ પાછળ આવેલા દેવ ભવન બિલ્ડીંગ પાસે રેડ કરતા હાઇવે પર પસાર થતી ટ્રકોને રોકી તેમાંથી ડીઝલ ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ત્રણેય જણા ડીઝલ વેચવા ઉભા હતા. પોલીસે સુરેશ રામદેવ ભામા ( મૂળ સીકર, રાજસ્થાન), હરિઓમ નાથુરામ( મૂળ ઝાંસી, ઉત્તર પ્રદેશ) અને મહિપાલ મોહનલાલ બોચલિયા (મૂળ જયપુર, રાજસ્થાન) ત્રણેય (હાલ રહે,શ્રીનાથ કાઠિયાવાડી હોટલ પાછળ સૂર્યાશી રેસિડેન્સી)નાઓની ધરપકડ કરી હતી.
પોલીસે ઘટના સ્થળેથી તેમની પાસેથી .7 લાખની કિંમતનો એક આઇશર ટેમ્પો HR 55 AL 1226 રૂ.5 લાખની કિંમતનો બોલેરો કેમ્પર RJ 14 GJ 5653 તેમજ તેઓએ ગાડી માંથી ચોરી કરેલું રૂ.5520ની કિંમતનું 60 લીટર ડીઝલ મળી કુલ રૂ.12,5,520નો માલસામાન કબ્જે ગાડીના માલિક દિનેશભાઇ માતા પ્રસાદ યાદવ નાઓ પાસેથી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથધરી છે .
આ રીતે ચાલતું ડીઝલ ચોરીનું રેકેટ
ભાટિયા ટોલનાકા નજીક કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેકટના સબ કોન્ટ્રાક્ટ ધરાવતી L & T કંપનીમાં આ બન્ને ગાડીઓ કોન્ટ્રાક્ટર પર ચાલતી હતી બને ગાડીના ડ્રાઇવર દિવસ દરમિયાન એક વાર અહીં હોટલની પાછળ આવી ગાડીમાંથી ડીઝલ ચોરી કરી તેમના રૂમમાં સંતાડી રાખતા હતા જે બાદ મહિપાલ બોચલિયા હાઇવે પર જતી ટ્રક ચાલકોને જરૂરી મુજબનું સસ્તા ભાવથી ડીઝલ નાખી આપતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.