આ રીતે ભણશે ગુજરાત?:બારડોલીની પ્રાથમિક શાળાના શૌચાલયમાં નળ તો છે પરંતુ પાણી નથી, ગંદકીથી ખદબદતું હોવાથી બાળકોને શૌચ માટે ઘરે જવાનો વારો

બારડોલી21 દિવસ પહેલા
  • બાળકોના માતા પિતાને ફોન કરી શાળામાં બોલાવી બાળકને શૌચ કરવા ઘરે મોકલાય છે
  • મારા બાળકે 4 કલાક શૌચ અટકાવી રાખતા તેને પેટમાં દુઃખતું થઈ ગયું - વાલી
  • બાળકો શૌચ કરવા ગયા બાદ પાણી ન નાખતા ગંદકી થઈ છે : તાલુકા શિક્ષણ અધિકારી

બારડોલીના લીમડા ચોક ખાતે આવેલી પ્રાથમિક કુમાર શાળામાં 624 બાળકો વચ્ચે માત્ર એક જ શૌચાલય બનાવવામાં આવેલું છે. જે શૌચાલયમાં નળ તો છે પરંતુ પાણી નથી. ત્યારે નાના ભૂલકાઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે અને જો શૌચ લાગે તો બાળકોના માતા પિતાને ફોન કરી શાળામાં બોલાવી બાળકને શૌચ કરવા ઘરે મોકલાય છે. બાદમાં બાળક શાળાએ આવી અભ્યાસ કરે છે.

624 બાળકો વચ્ચે શાળામાં માત્ર એક જ શૌચાલય
એક તરફ ગુજરાત સરકાર ભણતરમાં ગુણવત્તા સુધારવાની વાત કરે અને બીજી તરફ ગુણવત્તા સુધારવાની વાતો વચ્ચે પ્રાથમિક શાળામાં જ બાળકો માટેની પાયાની સુવિધાઓમાં ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો હતો. વાત કરીએ બારડોલી નગરમાં આવેલી સૌથી મોટી પ્રાથમિક શાળાની. લીમડા ચોક ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં 1 થી 8 ધોરણમાં 624 બાળકો અભ્યાસ કરે છે. જે તમામ બાળકો માટે પાયાની સુવિધામાં મોટી ખોટ જોવા મળી હતી. 624 બાળકો વચ્ચે શાળામાં માત્ર એક જ શૌચાલય આવેલું છે. ગંદકીથી ખદબદતા શૌચાલયમાં નળ તો લગાવવામાં આવેલા છે, પરંતુ નળમાં પાણી નથી. ત્યારે બાળકોને જ્યારે શૌચ લાગે ત્યારે તેઓના વાલીઓને ફોન કરી શાળામાં બોલાવવામાં આવે છે અને બાળકને ઘરે શૌચ કરાવી વાલીઓ ફરી શાળામાં મૂકી જાય છે. સરકાર મોટા ઉપાડે ભણશે ગુજરાતનો નારો લગાવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ રીતે ભણશે ગુજરાત?

મારા બાળકે 4 કલાક શૌચ અટકાવી રાખતા તેને પેટમાં દુઃખતું થઈ ગયું - ફરહીન શેખ
બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા ફરહીન શેખનો 8 વર્ષીય પુત્ર નવાઝ પ્રાથમિક કુમાર શાળામાં 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. 10 દિવસ પહેલા નવાઝને 11 વાગ્યાની શૌચ લાગી હતી. જે બાબતે નવાઝે શિક્ષકને જણાવતા શિક્ષકે ઘરે જવા જણાવ્યું હતું. પરંતુ બાળક એકલા ઘરે જવાથી ગભરાતા ગયો ન હતો. નવાઝે 2 વાગ્યા સુધી શૌચ અટકાવી મૂકી હતી. આખરે તેમના માતા 2 વાગ્યે બાળકને ખવડાવવા માટે જતા બાળકે પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે ફરહીનબેન દ્વારા શિક્ષકને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનાનાં 10 દિવસ બાદ પણ પરિસ્થિતિ શાળામાં હજુ તેવી જ છે.

નાના બાળકો શૌચ કરવા ગયા બાદ પાણી ન નાખતા ગંદકી થઈ છે : શાહરભાઈ દેસાઈ
તાલુકા શિક્ષણ અધિકારી.શૌચાલય મામલે તાલુકા શિક્ષણ અધિકારી સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળામાં નાના નાના બાળકો અભ્યાસ કરે છે. જેઓ શૌચ કરવા જાય છે પરંતુ પાણી નાખતા ન હોઈ જેથી ગંદકી થઈ છે. પરંતુ આ મામલે બી.આર.સીને સ્થળ વિઝીટ કરી તાત્કાલિક લેખિતમાં રિપોર્ટ કરવા જણાવી દેવામાં આવ્યું છે. હાલ શૌચાલયની સાફ સફાઈ કરાવી પાણી શરૂ કરી દેવાનું હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...