વીજકરંટથી 2 મહિલાના કમકમાટીભર્યા મોત:બારડોલીમાં ખેતરમાં વીજનો તાર ખુલ્લો પડ્યો હતો; કરંટ લાગતા બે મહિલાઓના ઘટનાસ્થળે મોત

બારડોલી14 દિવસ પહેલા

બારડોલી નગરના માતા ફળિયા વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી બે મહિલાઓના કરંટ લાગવાથી મોત થયું છે. ખેતર વિસ્તારમાં સીતાડોળીનાં ફૂલ તેમજ આરમ શોધવા નીકળેલી મહિલાને વરસાદી માહોલમાં વિજતારનો કરંટ લાગ્યો હતો. વહેલી સવારથી ઘરેથી નીકળેલી મહિલા મોડી રાત સુધી પરત નહિ ફરતા પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ કરતા ભરવાડ વસાહત નજીક ખેતરમાં બન્ને મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી.

બંને મહિલાઓ મોડી રાત સુધી ઘરે ન આવતા ચિંતા વધી
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી નગરના 29 ગાળાની પાછળનાં ભાગે આવેલ માતા ફળિયા વિસ્તારમાં રહેતા મંજુબેન ભીખાભાઈ રાઠોડ તેમજ લલીબેન ચીમનભાઈ રાઠોડ ગતરોજ સવારનાં 11 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા. હાલ ચોમાસામાં ખેતરાડી વિસ્તારમાં ઊગી નીકળતા સીતાડોળીનાં ફૂલ તેમજ આરમ ( મસરૂમ )ને તોડવા નીકળેલ બન્ને મહિલાઓ મોડી રાત સુધી ઘરે પડત નહિ ફરતા પરિવારજનોને અજુગતું લાગ્યું હતું. પરિવારજનો અને પાડોશીઓએ મહિલાની શોધખોળ કરી હતી.

ખેતરમાં મૃતદેહ મળી આવ્યાં
બન્ને મહિલાઓ આર.ટી.ઓ ભરવાડ વસાહત ખાતે ભૂતમામાનાં મંદિર નજીક આવેલ એક ખેતરમાં મૃત હાલતમાં મળી આવી હતી. ખેતરમાં વીજતાર થાંભલા પરથી તૂટીને નીચે પડ્યો હતો. વરસાદી માહોલમાં જે વિજતારનો કરંટ બન્ને મહિલાઓને લાગ્યો હતો અને મહિલાઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બારડોલી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી GEBને જાણ કરી વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. અને બન્ને મહિલાઓના મૃતદેહનો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...